અમદાવાદ, તા.૧૮
રાજ્યમાં શિયાળાનો આરંભ તો થયો પણ ઠંડી થોડી મોડી શરૂ થઈ છે, ત્યારે ધીમે-ધીમે ઠંડીએ પોતાનું જોર બતાવાનું શરૂ કર્યું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા બે દિવસથી પવનની દિશા બદલાતા ઠંડીમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. નલિયામાં સિઝનનું સૌથી ઓછું ૬.ર ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેને લીધે લોકો ઠંડીથી ઠૂંઠવાઈ ગયા છે, જ્યારે અન્ય અનેક સ્થળોએ તાપમાનમાં રથી પ ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં ગત સપ્તાહે અપર એર સાયક્લોનિક સરક્યુલેશનને પગલે અનેક સ્થળોએ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ ઊભો થયો હતો, ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. ઠંડીના પરિણામે મોડી સાંજે અને વહેલી સવારે લોકોની ઓછી ચહલ-પહલ જોવા મળી રહી છે, ત્યારે ઠંડા પવનો ફૂંકાતા શરદી, ખાંસી સહિતના ઈન્ફેક્શનના રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. વાત કરીએ તાપમાનની તો નલિયામાં સૌથી ઓછું ૬.ર ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું, જ્યારે ડીસામાં ૯.૪, રાજકોટમાં ૧૦.૩, અમરેલી અને ભૂજમાં ૧૦.૪, કંડલા એરપોર્ટમાં ૧૦.૬, કંડલા પોર્ટમાં ૧૧.૪, ગાંધીનગરમાં ૧૧.પ, સુરેન્દ્રનગરમાં ૧ર, જ્યારે કેશોદમાં ૧ર.૮, અમદાવાદમાં ૧૩.૪ તો આણંદમાં લઘુતમ તાપમાન ૧૩.૬ ડિગ્રી જેટલું નીચું નોંધાયું હતું. લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે, જ્યારે આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીને પરિણામે ઘરબાર વિનાના લોકો અને ફૂટપાથ પર રાત્રી ગુજારનારાઓની સ્થિતિ વધુ કફોડી બની છે.