અમદાવાદ, તા.૨૫
અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. અગામી બે દિવસના ગાળા દરમિયાન ઠંડીના પ્રમાણમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને ૯ ડિગ્રી થયું હતું. જ્યારે અમદાવાદમાં પારો ૧૬.૨ ડિગ્રી રહ્યો હતો. ભુજમાં લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી રહ્યું હતું. દેશના જુદા જુદા ભાગોમાં કાંતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં પણ સવારમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહી છે. ઠંડા પવનો પણ ફુંકાઈ રહ્યા છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ખાસ કરીને ભાવનગર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં લોકો વધારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી નથી. આજે નલિયામાં ૯ અને ગાંધીનગરમાં ૧૪.૫ સુધી પારો પહોંચ્યો હતો. આજે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૬.૨ ડિગ્રી થઈ ગયું હતું. જ્યારે ડીસામાં પારો ૧૩.૬ રહ્યો હતો. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં પારો આવતીકાલે યથાસ્થિતિમાં રહી શકે છે અને તાપમાનમાં નજીવો ફેરફાર જોવા મળી શકે છે.