અમદાવાદ, તા.૯
ગુજરાતમાં આજે પણ તીવ્ર ઠંડીનું મોજુ રહ્યું હતું. અલબત્ત ગઇકાલની સરખામણીમાં મોટાભાગના વિસ્તારોમાં પારો આંશિકરીતે વધ્યો હતો પરંતુ લોકોએ તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. આજે નલિયામાં પારો રવિવારની સરખામણીમાં વધીને ૧૧.૪ થયો હોવા છતાં નલિયા ઠંડુગાર રહ્યું હતું. ડિસામાં પારો ૧૩ અને અમદાવાદમાં પારો વધીને ૧૬ ડિગ્રી સુધી રહ્યો હતો. રાજ્યના અનેક ભાગોમાં પારો આજે ૧૪થી નીચે રહ્યો હતો જેમાં ડિસામાં ૧૩, કંડલા એરપોર્ટમાં ૧૨.૫ અને નલિયામાં ૧૧.૪ ડિગ્રી પારો રહ્યો હતો. આ ઉપરાંત રાજકોટમાં પણ પારો ૧૩.૨ ડિગ્રી રહ્યો હતો. ઠંડીના લીધે સવારમાં જનજીવન ઉપર પણ તેની સીધી અસર થઇ હતી. હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી નથી જેથી તંત્રને રાહત થઇ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ અને કચ્છમાં લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. કારણ કે, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થશે નહીં. છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે.