(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૩
બંધારણની જોગવાઈ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા એન.કે.સિંહની અધ્યક્ષતામાં ૧પમા નાણાપંચની રચના કરવામાં આવી છે. આ નાણા પંચના અધિકારીઓ આજરોજ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી પી.કે.વાલેરા (નિવૃત્ત આઈએએસ), ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારા અને પ્રવકતા સી.એ.કૈલાસદાન ગઢવી સહિતના પ્રતિનિધિમંડળે તેમની મુલાકાત લઈ રજૂઆત અને સૂચનો કર્યા હતા.
ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં ખાસ કરીને શિક્ષણ, આરોગ્યના ક્ષેત્રે ઘણું પછાત છે. ખાસ કરીને આદિવાસી ક્ષેત્રે સગવડ નથી તેથી આ ક્ષેત્રે વધારે ફાળવણી કરવી જોઈએ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સબ પ્લાન અને આદિવાસીઓ માટે ટ્રાયબલ સબપ્લાનની ખાસ જોગવાઈ કરી રાજ્યમાં તેમની વસ્તીના ધોરણે ફાળવણી કરવામાં આવી હતી તેજ ધોરણે નાણા પંચે રાજ્યની કુલ આવકમાંથી આવી ફાળવણી કરવાના આદેશ કરવા જોઈએ.
ન્યાયતંત્રને સુદૃઢ બનાવવા વિશેષ ફંડની જોગવાઈ કરવી જોઈએ, મત્સ્ય બંદરોના વિકાસ કરી અને બંદરોને રેલવે અને રોડથી સાંકળવા જોઈએ, પર્યાવરણ અંગેના વિવિધ કાયદા અને નિયમોના અમલીકરણ માટે ખાસ ફંડની જોગવાઈ કરવી જોઈએ. ખેડૂતોને રોકડિયા પાકના સારા ભાવ મળે તે માટે રાજ્ય સરકારને ખાસ પેકેજ દ્વારા આર્થિક સહાય આપવામાં આવે તથા ખરીદી માટે આધારભૂત વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.
કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા કરેલી ભલામણોને પંચ દ્વારા બહુ ધ્યાનપૂર્વક સાંભળી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, ગુજરાત સંબંધિત કરેલી ભલામણોની વિચારણા કરવામાં આવશે.