(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૩
ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્યલેખક અને થોડા મહિના અગાઉ જ પત્નીના નિધન બાદ એકલતા અનુભવી રહેલા, સુવર્ણચંદ્રક સન્માનિત લેખક વિનોદ ભટ્ટનું ૮૦ વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ આજે સવારે તેમના નિવાસસ્થાને અંતિમશ્વાસ લીધો હતો. વિનોદ ભટ્ટ લાંબા સમયથી કીડની અને ફેફસામાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી પીડાતા હતા. તેમની ઈચ્છા મુજબ તેમના દેહને દાન કરવામાં આવ્યું હતું. ૧૪ જાન્યુઆરી ૧૯૩૮ના રોજ ગુજરાતના દહેગામ નજીકના નાંદોલ ખાતે તેમનો જન્મ થયો હતો. ૧૯૫પમાં એસએસસી ઉત્તીર્ણ કર્યા બાદ ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી તેઓ સ્નાતક થયા હતા. ત્યારબાદ એલએલબીની પદવી પણ મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા. ગુજરાતમાં ઉત્તમ હાસ્ય સાહિત્યકારોની શ્રેણીમાં આવતા વિનોદ ભટ્ટ ૧૯૯૬થી ૧૯૯૭ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. ગુજરાતી ભાષામાં તેમણે અખબારી કલમ ઉપરાંત શુદ્ધ સાહિત્ય ક્ષેત્રે આપેલું યોગદાન નોંધપાત્ર છે. ગુજરાતી ભાષાની સેવા કરતા લેખકો પૈકીના એક વિનોદ ભટ્ટને માનવામાં આવે છે. ગુજરાતી દૈનિકો અને મેગેઝિનોમાં આવતા તેમના લેખો ખૂબ જ મશ્હૂર થયા હતા. ખાસ કરીને મગનું નામ મરી અને ઈદમ તૃતિયમ તેમની જાણીતી કોલમો હતી. તેમણે પહેલું સુખ તે મૂંગીનાર, આજની લાત, વિનોદ ભટ્ટની અરહસ્યકથાઓ સહિત બે ડઝન જેટલા હાસ્ય પુસ્તકો ઉપરાંત ચરિત્ર પુસ્તકો અને સંપાદન પુસ્તકો આપ્યા છે. ગુજરાતી સાહિત્યકાર તરીકે તેમણે કુમારચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, રમણભાઈ નીલકંઠ પુરસ્કાર, જ્યોતિન્દ્ર દવે પુરસ્કાર જેવા ખ્યાતનામ એવોર્ડઝ પણ મેળવ્યા હતા. તેમના જીવન પર દસ્તાવેજી ફિલ્મ પણ બની હતી. આમ એક ઉત્તમ અને પ્રતિષ્ઠિત હાસ્ય લેખક તરીકે, ઉત્તમ આત્મકથા આપનારા લેખકના રૂપમાં, નિખાલસ વ્યક્તિ તરીકે, સાહિત્યિક સંસ્થાઓને ધબકતી કરનારા કર્મશીલ લેખન તથા લોકપ્રિય વક્તા તરીકે ગુજરાત વિનોદ ભટ્ટને સદા યાદ રાખશે.