(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૦
ચાલુ વર્ષે ઠંડીએ રાજ્યની પ્રજાને બરાબર ધ્રુજાવ્યા બાદ આ વર્ષે ગરમી પણ દઝાડી બરાબરનો પરસેવો પડાવશે તેવી શક્યતા છે. એપ્રિલના અંતથી ગરમીની શરૂઆત થશે અને મે મહિનામાં ગરમી પરાકાષ્ઠાએ પહોંચશે. ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના જણાવ્યા મુજબ જે રાજ્યો હીટવેવ ઝોન હેઠળ જાહેર કરાયા છે. તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની પ્રજાને આ વખતની ઉનાળાની બળબળતી ગરમી દરવખત કરતાં વધારે પરચો બતાવે તેવી શકયતા છે. આઇએમડીના સીઝનલ ફોરકાસ્ટ રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે કે, દેશમાં ગરમીનો સૌથી વધુ પ્રકોપ ઉત્તર ભારતના રાજયોમાં જોવા મળશે. માર્ચથી લઇ મે મહિના દરમ્યાન ગરમીનો પારો ઉંચો જશે. ખાસ કરીને મે મહિનામાં ગરમી તેનો બરાબરનો પરચો બતાવશે. દેશના અન્ય રાજયોની જેમ ગુજરાતમાં પણ ઉનાળાની અસર વર્તાવાની શરૂઆત થઇ ગઇ છે. બપોરની ગરમી લોકોને હવે દઝાડી રહી છે. માર્ચના અંતથી મે મહિનાના અઢી મહિનાના સમયગાળામાં ગરમીની સૌથી વધુ અસર વર્તાવાની સંભાવના છે. ખાસ કરીને મે મહિનામાં તો હીટવેવ અને લુ ત્રાટકવાની પૂરી શકયતા હોઇ રાજયના લોકોએ ગરમી અને લુથી બચવાના અસરકારક અને ઠંડકના ઉપાયો કરવા પડશે. આઇએમડી દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં પણ સ્પષ્ટ જણાવ્યું છે કે, હીટવેવ ઝોનમાં સમાવિષ્ટ રાજયોની યાદી જાહેર કરાઇ છે, તેમાં ગુજરાત પણ સમાવિષ્ટ છે. આ સિવાય હીટવેવ ઝોનના રાજયોમાં દિલ્હી, પંજાબ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, તેલંગાણા, મરાઠાવાડ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.