(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૪
રાજ્યના સુરેન્દ્રનગર, ઈડર, ડીસા સહિતના શહેરોમાં ૪૫ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયા બાદ આજરોજ તાપમાનમાં આંશિક ઘટાડો થયો હતો તેમ છતાં રાજ્યભરમાં મોટાભાગે ૪૨ ડિગ્રીથી વધુ તાપમાન રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન તાપમાનનો પારો ૪૨થી ૪૪ ડિગ્રી વચ્ચે રહી શકે છે તેમ જણાવી ચાર દિવસ માટે હિટવેવની ચેતવણી જારી કરતા લોકોને અત્યારથી જ પરસેવો છૂટી ગયો છે. અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં બુધવારની સરખામણીમાં આજે ગુરુવારે આંશિક ઘટાડો થયો હોવા છતાં લોકોને આગઝરતી ગરમીનો અનુભવ થયો હતો. મહત્તમ તાપમાન મોટાભાગના વિસ્તારોમાં આજે ૪૧થી ૪૩ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. બપોરના ગાળામાં લોકોએ આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો.
અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૬.૮ ડિગ્રી નોંધાયું હતું. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ઉત્તર ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ રહી છે. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. આગામી ચાર દિવસ માટે હિટવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આજે સૌથી વધુ ગરમીનો અનુભવ કંડલા એરપોર્ટમાં થયો હતો. જ્યાં મહત્તમ તાપમાન ૪૩.૮ ડિગ્રી રહ્યું હતું. બપોરના ગાળામાં લોકોએ આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો. અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા.

કયા શહેરમાં કેટલું તાપમાન નોંધાયું

સ્થળ મહત્તમ તાપમાન
કંડલા એરપોર્ટ ૪૩.૮ ગાંધીનગર ૪૩.૬
ઇડર ૪૩.૬
ડિસા ૪૩.૪
સુરેન્દ્રનગર ૪૩.૩
રાજકોટ ૪૨.૯
સ્થળ મહત્તમ તાપમાન
અમરેલી ૪૨.૭
અમદાવાદ ૪૨.૫
વીવીનગર ૪૨.૫
ભુજ ૪૨
વડોદરા ૪૧.૮
કંડલા પોર્ટ ૩૯.૬