(સંવાદદાતા દ્વારા) રાજપીપળા, તા.૩૧
૨૦૧૭ ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને દરેક રાજકીય પક્ષોએ કમર કસી છે.તો ગુરૂવારે રાજપીપળાના સરદાર ટાઉન હોલમાં નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું.જેમાં યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી શ્રીનિવાસ,દક્ષિણ ગુજરાત યુવક કોંગ્રેસ ઇન્ચાર્જ દેવેન્દ્ર કાડિયાન, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવા,નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ,ભરૂચ યુવક કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, ઉપપ્રમુખ જયંતિ વસાવા, બાંધકામ સમિતિના દિનેશ તડવી સહિત હજારોની સંખ્યામાં ઉપસ્થિત યુવક કોંગ્રેસના કાર્યકરોએ નર્મદા આગામી વિધાનસભામાં નર્મદા જિલ્લાની બંને બેઠકો કોંગ્રેસને જીતાડવા સંકલ્પ કર્યો હતો.
વિજય સંકલ્પ સંમેલનને સંબોધતા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનો ૨૨ વર્ષથી રોજગારીની રાહ જોઈ રહ્યા છે, સરકાર બેરોજગારીના આંકડા જાહેર કરે. ભાજપ સરકારના આશિર્વાદથી ગુજરાતમાં શિક્ષણની હાટડીઓ ચાલે છે. યુપીમાં પ્રથમવાર ભાજપ સરકાર આવી એટલે ત્યાંના ખેડૂતોના દેવા માફ થયા તો છેલ્લા ૨૨ વર્ષથી સત્તા ભોગવતી ભાજપ ગુજરાતના ખેડૂતોના દેવા કેમ માફ નથી કરતી.શંકરસિંહ વાઘેલાનું નામ લીધા વિના જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગદ્દારો જતા રહેતા કોંગ્રેસનો કચરો સાફ થયો છે.એમ પણ એ લોકો છેલ્લા ૨૦ વર્ષથી કોંગ્રેસમાં રહીને વિરોધ પ્રચાર કરતા હતા.
યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી નિવાસે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી,અમિત શાહ જુઠ્ઠા હોવાનું અમેરિકાની એક સંસ્થાએ કહ્યું છે.નોટબંધી બાદ કાળું નાણું બહાર ન આવ્યાનો ઇમ્ૈંનો રિપોર્ટ છે.ભાજપે મેનીફેસ્ટના ૨૫% વાયદાઓ પણ પુરા નથી કર્યા .આ સરકાર ગૂંગી બેહરી છે.હરિયાણામાં ખરાબ સ્થિતિના જવાબદાર ખટ્ટર રાજીનામુ આપે.
ગુલાબસિંહ રાજપૂતે આવનારી વિધાનસભામાં જો કોંગ્રેસ બહુમતીથી સરકાર બનાવશે તો જ્યાં સુધી રોજગારી નહિ મળે ત્યાં સુધી ૧૨ પાસને ૩૦૦૦,ગ્રેજ્યુએટને ૩૫૦૦,તથા પોસ્ટ ગ્રેજ્યુએટને ૪૦૦૦ રૂપિયા ભથ્થુ આપવાની જાહેરાત કરી હતી.અને ખેડૂતોના દેવા માફીની પણ જાહેરાત કરી હતી.