(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ આરોપ મૂકયો છે કે ભાજપે ગુજરાતમાં હોર્સ ટ્રેડિંગ દ્વારા ધારાસભ્યોની હેરાફેરી માટે કરોડો રૂપિયા વાપર્યા છે. તેમણે કહ્યું કે પક્ષ પલ્ટો થાય છે પક્ષ પલ્ટા વિરૂદ્ધ કાનૂન સુપ્રીમ છે. સુપ્રીમે તેને બંધારણીય પાપ માન્યું છે. તેમણે કહ્યું કે ભાજપના ગુજરાતના ધારાસભ્ય પૂજાભાઈ ગામિતે તેમને ૧૦ કરોડની ઓફર થઈ હોવાનું જણાવ્યું હતું. શુક્રવારે ગુજરાત કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો રામસિંહ પરમાર, માનસિંગ ચૌહાણ, છનાભાઈ ચૌધરીએ કોંગ્રેસ છોડતાં કોંગ્રેસને જોરદાર આંચકો લાગ્યો હતો. બલવંતસિંગ રાજપૂત, તેજશ્રી પટેલ અને પ્રહ્‌લાદ પટેલ ગુરૂવારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ ત્યાગ પછી રાજીનામાનો સિલસિલો શરૂ થયો છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૧૧ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. ગુજરાત વિધાનસભામાં કુલ ૧૮રમાંથી હવે કોંગ્રેસના પર સભ્યો રહ્યા છે. રાજસભાના ઉમેદવારને જીતવા માટે ૪૭ વોટ જરૂરી છે. એવું અનુમાન થાય છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં કેટલાક કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને મળશે. તેમજ ભાજપના વધારાના મત પણ મળશે.