અમદાવાદ, તા.૧૪
વિવિધ પાક વીમા યોજના હેઠળ કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષોમાં ગુજરાતમાં કુલ રૂા.૧૬૮૧.૮૮ કરોડ આપ્યા છે. જેનાથી રાજ્યના ૬.૮૨ લાખ ખેડૂતોને લાભ થયો છે. કેન્દ્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલાએ રાજ્ય સભામાં ઓગસ્ટ ૧૧, ૨૦૧૭ના દિવસે પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં આ માહિતી આપી હતી. હાલમાં દેશમાં પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના (પી.એમ.એફ.બી.વાય.), રિસ્ટ્રક્ચર્ડ વેધર બેઝ્ડ ક્રોપ ઈન્શ્યોરન્સ સ્કીમ (આર.ડબ્લ્યુ.બી.સી.આઈ.એસ.), કોકોનટ પામ ઈન્શ્યોરન્સ સ્કીમ (સી.પી.આઈ.એસ.) અને પાયલોટ યુનિફાઈડ પેકેજ ઈન્શ્યોરન્સ સ્કીમ (યુ.પી.આઈ.એસ.) જેવી પાક વીમા યોજનાઓ અમલમાં છે. છેલ્લા ત્રણ વર્ષોમાં સમગ્ર ભારતમાં વિવિધ પાક વીમા યોજનાઓ હેઠળ રૂા.૧૪૧૭.૯૬ લાખ ખેડૂતોની નોંધણી થઈ હતી. જેમાંથી ૪૮૭.૯૯ લાખ ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ મળ્યો હતો. કેન્દ્ર સરકારે વીમા પ્રિમિયમમાં સબસિડી અને અથવા દાવાના વળતર રૂપે છેલ્લા ત્રણ વર્ષોમાં કુલ રૂા.૧૮,૫૧૬.૨૦ની ચુકવણી કરી છે. નથવાણી હાલમાં દેશમાં અમલમાં રહેલી વિવિધ પાક વીમા યોજનાઓ તથા તેનો વ્યાપ છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ પાક વીમા યોજનાઓ હેઠળ નોંધાયેલા તેમજ લાભાર્થી ખેડૂતોની સંખ્યા અને સરકાર/વીમા કંપનીઓ દ્વારા પાક વીમા યોજનાઓ હેઠળ ચૂકવવામાં આવેલી રકમ અંગે જાણવા માગતા હતા. મંત્રીના નિવેદન અનુસાર ૨૦૧૬-૧૭ના કામચલાઉ આંકડા અનુસાર કુલ ૫૭૪ લાખ ખેડૂતો તરફથી અરજીઓ મળી હતી અને રવિ તેમજ ખરીફ મોસમ મળીને કુલ ૫૮૧ લાખ હેક્ટર જમીન પાક વીમા યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવી હતી.
ગુજરાતમાં પાક વીમા હેઠળ છેલ્લા ૩ વર્ષમાં કેન્દ્ર સરકારે રૂા.૧૬૮૧.૮૮ કરોડ આપ્યા, ૬.૮૨ લાખ ખેડૂતો લાભાન્વિત

Recent Comments