(એજન્સી) પાટણ, તા.૧૬
ગુજરાતમાં બનાસકાંઠામાં ૧પ દિવસ અગાઉ પડેલ ભારે વરસાદ અને પૂરથી થયેલ તબાહીના દૃશ્યો આજે પણ કંપારી છૂટી જાય તેવા છે. છતાં પણ રાજ્ય સરકારે અસરગ્રસ્ત ગામોમાં નુકસાન પછી રાહત અને બચાવ માટેની કોઈ નક્કર યોજના બનાવી નથી. પાટણ અને બનાસકાંઠાની સરકારે આપદાગ્રસ્ત જાહેર કર્યા જે ૧પ ઓગસ્ટ સુધી હતી. બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાએ સોશિયલ મીડિયા પર કહ્યું કે ધાનેરા તાલુકાના સ્થિતિમાં સારો સુધારો થયો છે અને હવે પૂર્વવત છે. કોઈ રોગચાળો ફાટ્યો નથી. જો કે સ્થાનિકોનું કહેવું છે કે ધાનેરાના ૧૩ અસરગ્રસ્ત ગામોમાં કોઈપણ રાહત સામગ્રી પહોંચી નથી. સરકારે જાહેર કરેલ રકમ લોકોને મળી નથી. પૂરથી ધાનેરા તાલુકાના ગામોમાં હજારો મકાનોનો નાશ થયો છે. પરંતુ તેની કોઈ રાહત મળી નથી. મૃત પશુઓનું કોઈ વળતર મળ્યું નથી. વ્યક્તિ દીઠ નજીવી રૂા.૬૦૦ રાહત અપાઈ. લોકો કહે છે અમારી પાસે ઘર નથી પૈસા નથી, ખાવા નથી કે પશુ નથી. વાસણા ગામના રાયમલ પારડીયાએ કહ્યું કે અમે લાચાર છીએ. તેઓ ખેતી પર નિર્ભર છે. પૂરથી પાક તણાઈ ગયો. લાખોનું નુકસાન થયું. પૂરથી જમીન ધોવાઈ ગઈ અને રેતાળમાં ફેરવાઈ ગઈ. ૬થી ૭ લાખ રૂપિયા લેવલ કરવા જોઈએ. કોણ આપશે ? જમીનમાં ક્યારે પાક થશે ? હજારો પશુઓ માર્યા ગયા. દૂધની આવક બંધ થઈ ગઈ. નવા પશુઓ લાવવા પૈસા નથી. લોકોની પાસે કંઈ જ નથી. રૂા.પ૦થી ૬૧૦ રોજ અપાય છે. તેનાથી ઘર ચલાવવું મુશ્કેલ છે. થવાર ગામે ર૦ પરિવારો ભોગ બન્યા છે. તેમને મામૂલી રાહત મળી છે. તલાટી સર્વે કરી રકમ માટે લાંચ માંગતા હોવાનો આરોપ લાગ્યો છે. એનજીઓ જેવા કે જમાતે ઉલેમાએ હિન્દ, જલારામ સેવા કેન્દ્ર, આરએસએસ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, ઉમિયા મિત્ર મંડળ, પાટીદાર વગેરેને અસરગ્રસ્તોમાં પાણી-ખોરાક, વસ્ત્રો વિતરણ કરી સેવાનું કામ કર્યું હતું.