(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૯
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને બંધ કરવાના કાવતરા રચાઈ રહ્યા છે. છેલ્લા ૧પ વર્ષમાં સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓને મંજૂરી આપવામાં આવતી નથી. એ તો ઠીક કોંગ્રેસના શાસનમાં સ્થાપવામાં આવેલી આવી સંસ્થાઓને શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ ન આપીને અન્યાય કરાઈ રહ્યો છે. ગ્રાન્ટેડ સંસ્થાઓનું માળખું તોડીને ઉંચી ફીની ખાનગી શાળા-કોલેજોને લાભ કરાવવાની ભાજપ સરકારની નીતિના કારણે આજે ગુજરાતમાં ઠેરઠેર રોષ વ્યાપી રહ્યો છે. ત્યારે રાજયના શિક્ષણના વ્યાપક હિતમાં ગ્રાન્ટેડ શાળાના ૯૦,૦૦૦થી વધુ શૈક્ષણિક તેમજ વહીવટી કર્મચારીઓને સાતમા પગાર પંચના લાભની માગને ટેકો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજયની ગ્રાન્ટેડ શાળાના ૯૦,૦૦૦થી વધુ શૈક્ષણિક તેમજ વહીવટી કર્મચારીઓને વારંવારની માગણી છતાં સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવતો નથી. સરકાર દ્વારા પાંચમા અને છઠ્ઠા પગાર પંચ અન્વયે પણ આપવાપાત્ર ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પપણ ચુકવાયું નથી. ગ્રાન્ટેડ સંસ્થામાં કામ કરતા ફિકસ પગારના શૈક્ષણિક તેમજ વહીવટી કર્મચારીઓને પણ વેતન વધારો આપવામાં આવ્યો નથી. વારંવાર મીટિંગ અને મીટિંગમાં રાજયના શિક્ષણ મંત્રી અગ્ર સચિવની હાજરીમાં ખાતરી આપે તેના ૩૬ મહિના જેટલો સમય વીતી જાય છતાં કોઈ પરિણામ નહીં. રાજયમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ૧પ૦૦ જેટલા આચાર્યની જગ્યાઓ ખાલી છે. ર૦૦૯ પછી શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. ર૦૧૧ના જાહેરનામામાં અનેક વિસંગતાઓના કારણે કાયદાકીય ગુંચ ઉભી થઈ છે. ત્યારે ગુણવત્તાયુકત શિક્ષણ કે સારૂં પરિણામ કેવી રીતે શકય બને ? પરિણામ ઓછું આવે તો જે તે શાળાને જવાબદારી નકકી કરીને ગ્રાન્ટ કાપી લેવામાં આવે તો પછી વર્ષો સુધી શિક્ષકો કે લેબોરેટરીનો સ્ટાફ ન આપે તેના માટે સરકારની જવાબદારી નકકી થવી જોઈએ કે નહીં ? વારંવાર ખાલી પડતી જગ્યા અંગે શાળા નિયામક માહિતી માગે છે પણ ભરતી કરવામાં આવતી નથી. કોમ્પ્યુટર હોય ત્યાં કોમ્પ્યુટરના શિક્ષક નથી. વ્યાયામ અને સંગીત કલાના શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી અને બીજી બાજુ રાજય સરકાર ખેલે ગુજરાત વાંચે ગુજરાત, ભણે ગુજરાત, જેવા ઉત્સવો-તાયફા કરી રહી છે.