પાટણ, તા.ર૬
ચાણસ્મા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે નૂતન વર્ષ સ્નેહમિલન અને સંકલ્પ સભા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત કોંગ્રેસી કાર્યકરોને સંબોધતા કાર્યકારી ઉત્તર ગુજરાત પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાણીએ જણાવ્યં હતું કે, આ લડાઈ મત માટે નથી, કે સત્તા માટે પણ નથી પરંતુ આ લડાઈ છે ગુજરાતને ભયમુક્ત બનાવવાની… હજારો બેકાર યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની. આજે સમાજમાં ૧૦૦ સમસ્યાઓ છે પણ તેનો એક જ ઉકેલ સત્તા પલટો છે. જેના માટે કાર્યકરોએ સંગઠિત બની ભાજપનો પ્રતિકાર કરવા હાંકલ કરી હતી.
અત્રે સુરાણીની વાડીમાં યોજાયેલા કોંગ્રેસી કાર્યકર સંમેલનમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, પ્રદેશ મંત્રી ડૉ. જીતુ પટેલ, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, માજી ધારાસભ્ય માલજીભાઈ દેસાઈ, જાણીતા મજૂર નેતા એડવોકેટ મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. પોતાની જોશીલી ભાષામાં કાર્યકરોને સંબોધતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આજે ભાજપના ભયથી ગુજરાત થરથરે છે, ભાજપી નેતાઓને સત્તાનો મદ ચડી ગયો છે. આ સરકાર ગરીબ અને ખેડૂત વિરોધી છે. જે સરકારનું કામ પ્રજાના રક્ષણનું છે તે સરકાર આજે પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર શું કરે છે…. કોને મળે છે તેની જાસૂસી કરવાનું કામ કરે છે. આજે પાટીદારોને ખરીદવા દુકાનો ખોલી છે. આ સરકારે માત્ર વયદાનો વેપાર અને સપનાનું વાવેતર કર્યું છે. આ ભ્રામક પ્રચારને ગુજરાતની જનતાએ ઓળખી લીધો છે એટલે આજે વિકાસ ગાંડો થયો છે તે સૂત્ર બરાબર લાગ્યું છે.
પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ભાજપના રર વર્ષના કુશાસનથી આમઆદમીથી લઈને ખેડૂત, વેપારીઓ, નોકરિયાતો સૌ ત્રાહીમામ પોકારી ગયા છે. સરકારના આ ઘમંડી વહીવટથી પ્રજામાં શાસન વિરોધી મોજુ ઊભુ થયું છે એટલે લોકસભાની ચૂંટણીમાં ર૬-ર૬ બેઠક જીતી ગયા પછી નરેન્દ્ર મોદી અઢી વર્ષે ગુજરાત આવ્યા હતા અને છેલ્લા ૬ મહિનામાં ૧૧-૧૧ વાર આવવું પડ્યું છે. જો આ સરકારે ખરેખર વિકાસ કર્યો હોત તો આ દશા આવી ન હોત. આ ચૂંટણીમાં ભાજપ સરકારના મૂળિયા ઉખેડી ફેંકવા કાર્યકરોને સંગઠિત બની વધુમાં વધુ મતદાન થાય તેના પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે ચાણસ્મા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ જેસંગભાઈ પટેલ (ચવેલી) સહિતના તેમના ટેકેદારોએ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે પાસ તેમજ ઠાકોર સેનાના કાર્યકરો પણ હાજર રહ્યા હતા.