(એજન્સી) નવી દિલ્હી,તા.ર૯
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે એ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજયનો અડધો શ્રેય કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને જાય છે, કારણ કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીનું રાહુલ દ્વારા મજાક ઉડાવવું મતદાતાઓને ગમ્યું નહીં હોય, તેની સાથે ઠાકરે એ કહ્યું કે વર્તમાન વલણ અને રિપોર્ટ સંકેત આપી રહ્યા છે કે સત્તારૂઢ ભાજપ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં હારી શકે છે. તેમણે કહ્યું કે જો ભાજપને ૧પ૦થી વધુ બેઠકો મળી જાય તો તેને ઈવીએમનો ચમત્કાર જ માનવો જોઈએ. તેમણે કલ્યાણમાં શુક્રવારે રાત્રે કહ્યું કે ર૦૧૪માં સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વિજયનો અડધો શ્રેય કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને જાય છે જે રીતે તેમણે ચૂંટણી અભિયાન દરમ્યાન મોદીની હાંસી ઉડાવી હતી, તેનાથી મોદીને ચૂંટણી જીતવામાં મદદ મળી હતી. તેમણે કહ્યું કે બાકી ૧પ ટકા સોશિયલ મીડિયા, આશરે ૧૦-ર૦ ટકા ભાજપ કાર્યકર્તા અને આરએસએસને પણ શ્રેપ જાય છે તથા બાકી મોદીના પ્રભાવના કારણે થયું. ઠાકરે એ આ ટિપ્પણી શિવસેના સાંસદ સંજય રાઉતના નિવેદન બાદ કરી છે. શિવસેના સાંસદે કહ્યું કે રાહુલમાં દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. તેમણે પણ કહ્યું કે મોદી લહેર હવે પ્રભાવી નથી રહી. ગુજરાત ચૂંટણી વિશે રાજ ઠાકરેએ ક્હ્યું મોદીની જનસભાઆ સામે આવી રહેલા કેટલાક દૃશ્યો દર્શાવે છે કે લોકો તેમના ભાષણ વચ્ચેથી જ સમૂહમાં જઈ રહ્યા છે જે પહેલા કયારેય બન્યું નથી તેનાથી વ્યકિતને સંદેશ મળી જાય છે. હકીકતમાં ગુજરાત ચૂંટણી સત્તાધારી ભાજપ અને વિપક્ષી દળ કોંગ્રેસ માટે ખૂબ જ પડકારજનક છે. ભાજપ પાસે અહીં સરકાર બચાવવાનો પડકાર છે ત્યાં કોંગ્રેસ પોતાનું ગૌરવ હાંસલ કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. બીજી બાજુ, કોંગ્રેસ તરફથી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસની નજર પટેલ ઓબીસી અને દલિત મતદાતાઓ પર છે.