(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૧
સોશિયલ મીડિયાના માધ્યમથી જુઠ્ઠાણા ફેલાવી દેશની પ્રજા અને મતદારોને ભ્રમમાં રાખનાર ભાજપને આજ સોશિયલ મીડિયા હવે ભારે પડી રહ્યું છે. કોંગ્રેસનો ‘વિકાસ ગાંડો થયો છે’ વાળુ સ્લોગન તો ભાજપને તીરની જેમ સોંસરૂ દિલમાં ઉતરી ગયું છે અને હવે ‘મારા હાળા છેતરી ગયા’ વાળુ સ્લોગન વહેતુ કરી ભાજપને મરણતોલ ફટકો માર્યો છે. આમ સોશિયલ મીડિયામાં મળેલી જબ્બર સફળતા જોઈ રાહુલ ગાંધીના માર્ગદર્શનથી દિલ્હીમાં આઈટી વોરરૂમ શરૂ કરવામાં આવશે જે ગુજરાતની ચૂંટણી પર બાજ નજર રાખશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના જુઠ્ઠા અને ભ્રામક પ્રચારનો જોરદાર જવાબ આપવા કોંગ્રેસના આઈટી નિષ્ણાતો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. ત્રણ વર્ષમાં કેન્દ્રની ભાજપ સરકારે કયા વચનો આપ્યા હતા અને કેટલા વચનો ન પાળ્યા ? નોટબંધી, જીએસટી, મોંઘવારી જેવા મુદ્દાઓ પ્રજા સાથે સરકારે કરેલી છેતરપિંડી, સરકારી ખર્ચે કરાતા ઉત્સવો અને તમાશાઓમાં ભાજપનો પ્રચાર જેવા અસંખ્ય મુદ્દાઓને સમાવી સોશિયલ મીડિયામાં પ્રચારનો મારો ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયામાં મળેલી સફળતા જોઈ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં આઈટી વોરરૂમ શરૂ કરવા ઈચ્છા દર્શાવતા નિષ્ણાતો દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. જેમાં આઈ.ટી. નિષ્ણાતોની ટીમ તૈયાર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પણ આ ટીમ મુદ્દાઓ તૈયાર કરશે અને ગુજરાત કોંગ્રેસની આઈટી સેલ સાથે સંપર્કમાં રહી સંદેશાઓની આપ-લે કરશે આ સમગ્ર પ્રક્રિયા પર રાહુલ ગાંધી પણ દેખરેખ રાખશે. તેઓ આ વખતે ગુજરાતની ચૂંટણીમાં કોઈપણ ભોગે જીત હાસલ કરવા માંગે છે તે માટે કમર કસી છે.