(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતની તૈયારીઓમાં વ્યસ્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગરીબોની ઝૂંપડપટ્ટી આગળ બંધાતી દિવાલની ઊંચાઇ ઘટાડી ચાર ફૂટની કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા આ દિવાલ સાત ફૂટની બનવાની હતી. આ અડધો કિલોમીટરની દિવાલ અમદાવાદની સરાણિયાવાસ ઝૂંપડપટ્ટીને છૂપાવવા માટે બનાવાતી હોવાનો અહેવાલ છે. આ ઝૂંપડપટ્ટી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઇન્દિરા બ્રિજ વચ્ચે છે જેને ૨૪મી ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પની ભારત મુલાકાત માટે બનાવાય છે. દિવાલ સાથે એક તારની વાડ પણ બનાવાશે અને તે દિવાલ કરતા ઊંચી હશે. દિવાલ બન્યા બાદ એમસીએ બામ્બુ નાખવાને બદલે વૃક્ષો રોપવાની યોજના બનાવી છે જેથી ઝૂંપડપટ્ટીને સંપૂર્ણ રીતે ઢાંકી શકાય. અમદાવાદના મેયર બિજલ પટેલને પુછવામાં આવ્યું કે, આ દિવાલ શા માટે બનાવાય છે ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે, આ દિવાલ ટ્રમ્પની મુલાકાત દરમિયાન ઝૂંપડાવાસીઓને છૂપાવવા માટે બનાવાય છે. તેમણે એવું પણ કહ્યું છે કે, જો ગુજરાત સરકાર એવું ઇચ્છે છે કે, ટ્રમ્પ ઝૂંપડપટ્ટી ના જુએ તો આ મકાનોને પાકા બનાવી દેવા જોઇએ. આ પહેલા સપ્ટેમ્બર ૨૦૧૭માં જાપાનના વડાપ્રધાન શિન્જો આબે અને તેમના પત્ની એકી આબે અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ ઝૂંપડપટ્ટી ના જુએ તે માટે તેને મોટા લીલા કપડાંથી ઢાંકી દેવાઇ હતી. આ ઉપરાંત તેની સામે શિન્જો આબેને આવકારતા હોર્ડિંગ્સ અને બેનરો લગાવી દેવાયા હતા. જાન્યુઆરી ૨૦૧૭માં વડાપ્રધાન મોદી દ્વારા ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ સમિટ યોજી ત્યારે વિશ્વના વડાપ્રધાનો અને વિદેશ મંત્રીઓ સામે ઝૂંપડપટ્ટીને મોટા ગ્રીન કપડાંથી ઢાંકી દેવાઇ હતી. ઉલ્લેખનીય છે કે અહીં ૫૫૬ કાચા મકાનોમાં આશરે ૩,૦૦૦ લોકો રહે છે. દેશમાં કુલ ૧૯,૭૪૯ ઝુંપડપટ્ટીઓ છે જેમાં મહારાષ્ટ્રમાં ૫,૭૬૯, પશ્ચિમ બંગાળમાં ૨,૬૮૪ અને ત્રીજા નંબરે ગુજરાતમાં ૨,૦૫૮ ઝુંપડપટ્ટીઓ છે.