ડીડીએમએમ હાર્ટ ઈન્સ્ટિટયુટના ડોકટરો અને સ્ટાફના અથાગ પ્રયત્નો થકી કર્યું સફળ ઓપરેશન
આયમનના ઘર-પરિવારના લોકો કોરોનામાં પણ રહ્યા સતત સાથે…
(રિયાઝખાન)
અમદાવાદ,તા.૧૦
કોરોના મહામારીએ જયાં એક તરફ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લઈ હાહાકાર મચાવ્યો છે. ત્યાં કોરોના ગ્રસ્ત દર્દીને તેના સગા-વ્હાલાઓએ તરછોડી દીધાના અનેક કિસ્સા સામે આવ્યા છે. તો બીજી તરફ કોવિડ-૧૯ની સારવારના નામે દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતી અનેક ખાનગી હોસ્પિટલો અને ડોકટરો પણ ઉઘાડા થયા છે. આમ કોરોના કાળમાં માનવતા મરી પરવારી હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. જે ડોકટર અને દર્દી, તેમજ દર્દી અને તેના સગાઓ વચ્ચેના વિશ્વાસના સંબંધોને વેરવિખેર કરી નાખનાર બન્યા છે. જયારે આવા કપરા સમયમાં અંકલેશ્વરની ર૬ વર્ષીય આયમન સિદ્દીકીએ માત્ર બે મહિનાના ટૂંકા જ ગાળામાં પ્રસુતિ બાદ કોરોનાને હરાવી ધમનીના સફળ ઓપરેશન થકી નવજીવન મેળવ્યું છે. જે દર્દી અને ડોકટર વચ્ચેના અને દર્દી અને તેના સગાઓ વચ્ચેના સંબંધોની એક ઉત્તમ મિશાલ કાયમ કરે છે.
અંકલેશ્વરમાં રહેતી ર૬ વર્ષીય આયમન સિદ્દીકીએ પ્રસુતિ દરમ્યાન બાળકીને જન્મ આપ્યો. પણ બાળકીના આગમનની ખુશી સાથે દુઃખની ઘડીઓ પણ આવી. આયમનને ખભામાં અસહ્ય દુઃખાવો અને હૃદયમાં ધબકારા તેમજ શ્વાસની તકલીફનો અનુભવ થવા લાગ્યો આથી તેમને સારવાર માટે નડિયાદની ડીડીએમએમ હાર્ટ ઈન્સ્ટીટયુટમાં લાવવામાં આવ્યા. જો કે પ્રાથમિક નિદાનમાં મૂળ રોગ સુધી પહોંચાય તે પહેલા જ ડોકટરોને તેમનામાં કોરોનાના લક્ષણો જણાયા જેથી બીજી કોઈ સારવાર પહેલા તેમનો રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો. જો કે તેમની નાજુક સ્થિતિ જોતા તેમને હોસ્પિટલને બદલે ૧૪ દિવસ હોમ કોરોન્ટાઈન કરાયા આ ૧૪ દિવસ દરમ્યાન તેમના ઘર-પરિવારના સભ્યો સતત તેમની પડખે રહ્યા. ખાસ કરીને તેમની ર૧ વર્ષીય ભાણી ઈકરા મલિક કે જેઓ મુંબઈથી માસીની સારવારમાં મદદરૂપ થવા અંકલેશ્વર આવ્યા હતા. વળી આ ૧૪ દિવસ દરમ્યાન પણ ડીડીએમએમ હાર્ટ ઈન્સ્ટીટયુટના ડોકટરો તેમના સંપર્કમાં રહ્યા અને હિંમત આપતા રહ્યા કોરોનાને માત આપી આયમન ફરીથી સારવાર લેવા નડિયાદ પહોંચ્યા અને શરૂ થઈ ધમનની સારવાર ડોકટરો અને દર્દી વચ્ચે શ્રધ્ધા અને વિશ્વાસનું અતુટ બંધન બંધાયું આયમનની સારવાર શરૂ થઈ. પ્રાથમિક તપાસમાં જ શરીરની સંરચનાએ જન્મજાત કનેકટીવ ટીસ્યુ ડીસ ઓર્ડરના લક્ષણો જોવા મળ્યા જેને મારફન સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. ડોકટરો પાસેથી મળતી માહિતી મુજબ આયમનના કેસમાં મારફન સિન્ડ્રોમમાં હૃદયમાંથી નીકળતી મુખ્ય ધમની આખા શરીરમાં શુદ્ધ લોહી પહોંચાડવાનું કાર્ય કરે છે, તે પાતળી થઈને ફુગ્ગા જેવી ફુલી ગઈ હતી, ત્રણ પડની બનેલી આ મુખ્ય ધમનીની અંદરનું પડ ફાટી ગયું હતું. લોહી હવે બે પડની વચ્ચે વહેવા લાગ્યું હતું. આ ઉપરાંત તેનો એઓર્ટિક અને માઈટ્રલ વાલ્વ બંને ખરાબ હતા અને હૃદયનું પપીંગ જે સામાન્ય રીતે પ૦થી ૬૦ ટકા હતું તે હવે માત્ર ર૦ ટકા થઈ ગયું હતું. તેથી હાર્ટ ફેલીયર તરીકે ધકેલાઈ રહી હતી. મારફાન સિન્ડ્રોમ સાથે ટાઈપ એ એઓર્ટિક ડિસેકશન-બાયફરકેશન ઓફ એઓટા સુધી, હૃદયના માઈટ્રલ અને એઓર્ટિક વાલ્વનું લીકેજ જણાવ્યું હતું. આથી, બે વાલ્વને રીપેર કરવું અને મુખ્ય ધમનીનો આર્ચ સાથેનો ભાગ બદલવો અને બીજા સ્ટેજમાં એન્ડો વાસ્કયુલર ગ્રાફ બાકીના ભાગમાં મુકી સારવાર કરવાની જટિલ અને લાંબા ઓપરેશન કરવામાં આવ્યું હતું. આશરે દસ કલાક ચાલેલા સૌથી જટિલ એવા આ ઓપરેશનમાં શરીરને હાર્ટ અને લંગ મશીન સાથે જોડવામાં આવ્યું, આ મશીન શરીરના હૃદય અને ફેંફસા બંનેનું કાર્ય કરે છે. ઓપરેશનના પહેલા તબક્કામાં તેનો માઈટ્રલ વાલ્વ જે લીકેજ હતો તેનું નિરાકરણ કરી, રીપેર કરી તેને નોર્મલ કાર્યરત કરવામાં આવ્યો. ઓપરેશનનનો બીજો તબક્કો થોડો વધારે જટિલ અને મુશ્કેલ ભર્યો રહ્યો હતો. જેમાં મુખ્ય ધમનીને બદલવા માટે તેમાં વહેતા લોહીના પ્રવાહને પણ બદલવાનો હતો, જે સામાન્ય સંજોગોમાં શકય નહતું. તેની ડીએચસીએ નામની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો કે જેમાં દર્દીને ૧૮ સેન્ટીગ્રેટ સુધી ઠંડુ કરવામાં આવે છે. જયારે દર્દીના સંપૂર્ણ શરીરનું તાપમાન ૧૮ સેન્ટીગ્રેડ સુધી પહોંચી જાય ત્યારે શરીરમાંથી પુરૂં લોહી બહાર કાઢી લેવાય છે. દર્દી હવે સસ્પેડેડ એનીમેશનની અવસ્થામાં જ હોય છે. મુખ્ય ધમનીના આર્ય સંબંધિત જટિલ ઓપરેશન આ તબક્કામાં જ કરવામાં આવ્યું હતું. આ તાપમાનને લીધે શરીરમાં લોહીનો પ્રવાહ સ્થગિત થાય છે, જેને શરીર ૩૦ મિનિટ સુધી સારી રીતે સહન કરે છે. આ દરમ્યાન કૃત્રિમ ધમનીને શરીરના બાકી રહેલી મુખ્ય ધમની સાથે જોડવાનું અને મુખ્ય ધમનીના આર્ચને નવી કૃત્રિમ ધમનીમાં બેસાડવાનું આ બંને કાર્ય સર્જનોએ સમયને પડકાર આપીને પુરૂં કર્યું હતું. બાદમાં શરીરમાં લોહીનું પરિવહન ધીરે ધીરે શરૂ કરવામાં આવ્યું હતું. તાપમાન નોર્મલ થયા બાદ છ કલાક સુધી હૃદયને ધબકતું કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. આખરે ઓપરેશન સફળ રહ્યું.
આમ પહેલા કોરોના અને ત્યાર બાદ ધમનીના ઓપરેશનમાં જીત મેળવી સફળતા મેળવનાર આયમન અત્યારે ધીમે ધીમે નોર્મલ બનવા જઈ રહ્યા છે. જો કે હોસ્પિટલના તેમના ર૬ દિવસના સફરમાં તેમની સાથે હોસ્પિટલના સ્ટાફમાં ડો. માહપૈકરમસદી, ડો. સંજીત પીટર, ડો.મનીષદાસ, ડો. શ્વાતિ શાહ, નિલેષ મેકવાન, વિશાલ પટેલ સહિતની ટીમ રહી. વળી તેમની ભાણી ઈકરા પણ સાથે જ રહ્યા. ઈકરાના મતે અમે આટલા સરળ, નિખાલસ અને સેવાભાવી ડોકટરો અને હોસ્પિટલ સ્ટાફ કયાંય જોયો નથી. દરેક વ્યકિતએ અમને સાંભળ્યા, સંભાળ્યા અને દિવસ-રાત કોઈપણ સમયે અમારી મદદ માટે સતત સાથે રહ્યા આમ આયમને મારફાન સિન્ડ્રોમ કે જે ૧૦ લાખ વ્યકિતએ એકાદમાં જ જોવા મળે તેવા રોગના સફળ ઓપરેશન થકી નવજીવન મેળવ્યું છે. જયારે ડોકટરોએ પણ તેમની કારકિર્દી પૈકી જૂજ કહી શકાય તેવો આ કેસ હેન્ડલ કરી તેને સફળતા પૂર્વક પાર પાડયો છે. આમ આયમનની હિંમત અનેક લોકોને પ્રેરણા પૂરી પાડે છે. જયારે ડોકટરો અને આયમનના પરિવાર દ્વારા આયમનની જે દેખરેખ રાખવામાં આવી તે બતાવે છે કે માનવતા હજુ મરી પરવારી નથી.
Recent Comments