અમદાવાદ, તા.૧૦
એચએસસી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમ એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-ર૦૧૯ની પરીક્ષા તા.૩૦/૩/ર૦૧૯ને શનિવારના રોજ લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે અંગેની જાહેરાત બોર્ડ દ્વારા અગાઉ વર્તમાનપત્રોમાં આપવામાં આવેલ હતી. ઉપરોક્ત કાર્યક્રમ જાહેર થયા બાદ સીબીએસઈ દ્વારા જાહેર થયેલ પરીક્ષા કાર્યક્રમ મુજબ તા.૩૦/૩/૧૯, શનિવારના રોજ સીબીએસઈની પરીક્ષા ગોઠવાયેલ હોઈ વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજન કરેલ ગુજકેટની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવે છે અને હવે તે પરીક્ષા તા.૩૦/૩/૧૯, શનિવારના બદલે તા.૪/૪/૧૯, ગુરૂવારના રોજ લેવામાં આવશે. ધો.૧૨ સાયન્સ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ૨૦૧૭થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.જે મુજબ ૨૦૧૯ના વર્ષ માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટ પરીક્ષા ૪ એપ્રિલ ૨૦૧૯ના રોજ ગુરૂવારે સવારે ૧૦ થી ૪ સુધી જિલ્લાકક્ષાના કેન્દ્રો ખાતે લેવાશે. ગુજકેટનો અભ્યાસક્રમ ધો.૧૨ના હાલના અભ્યાસક્રમ આધારિત રહેશે. જેમાં એમસીક્યુ પ્રશ્નપત્રો રહેશે. ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સના ૪૦ પ્રશ્નો તથા ૪૦ ગુણ રહેશે. ફિઝીક્સ અને કેમિસ્ટ્રીનું પેપર સંયુક્ત રહેશે. બાયોલોજી અને મેથ્સનું પેપર અલગ અલગ રહેશે. તેની ઓએમઆર શીટ પણ અલગ આપવામાં આવશે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી રહેશે. ફોર્મ ભરવાની સૂચના તથા અભ્યાસક્રમની માહિતી પુસ્તિકા ઓનલાઈન મુકવામાં આવશે.