અમદાવાદ,તા.ર૦
નવરાત્રિ પૂર્ણ થતા જ રાજ્યમાં ધીમા પગલે ઠંડીનું આગમન થઈ જશે તેવી ધારણાઓને ખોટી પાડતા ગરમીએ પોતાનું સામ્રાજય અકબંધ રાખ્યું છે. ભૂજમાં ૪૦.૪ ડિગ્રી જેટલું ઉંચુ મહત્તમ તાપમાન જ એ વાતની ચાઉ ખાય છે કે રાજયમાં દિવાળીને ગણતરીના દિવસો બાકી હોવા છતાં ઠંડીનું નામોનિશાન જોવા મળતું નથી. આવી સ્થિતિ ઋતુચક્રના પરિવર્તન તરફ દિશા સૂચન કરી રહી છે. તેવું નિષ્ણાતો માની રહ્યા છે. રાજયમાં આ વર્ષે ચોમાસુ સાવ નબળુ રહેતા ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે. જયારે ચોમાસામાં પણ ગરમીએ પોતાનો મિજાજ બતાવ્યો હતો કે જો કે ચોમાસાની વિદાય બાદ રાજયમાં ધીમા પગલે ઠંડીનું આગમન થાય છે અને ગરમી ઘટવા લાગે છે પણ આ વખતે તો ગરમી ઘટવાના બદલે વધી છે અને કારતક મહિનાને આવવામાં માંડ ૧પ જેટલાં દિવસ બાકી છે પણ ગરમી ઘટવાનું નામ નથી લેતી શનિવારના રોજ રાજયના ૧૦થી વધુ સ્થળોએ તાપમાનને પારો ૩૭ ડિગ્રીથી વધુ જોવા મળ્યો હતો જેને લીધે રાજયવાસીઓએ ભારે ગરમીનો અનુભવ કર્યો હતો. ભૂજમાં ૪૦.૪ ડિગ્રી, કંડલા પોર્ટ પર ૩૯.૬, સુરેન્દ્રનગરમાં ૩૯.૩, કંડલા એરપોર્ટ પર ૩૯.૦, ડીસામાં ૩૮.૬, રાજકોટમાં ૩૮.૬, નલિયામાં ૩૮.૪, પોરબંદરમાં ૩૮.૧, અમદાવાદમાં ૩૭.૭, મહુવામાં ૩૭.૪, સુરતમાં ૩૭.ર અને ભાવનગર મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી જેટલુ નોંધાયું હતું જે ભારે ગરમીનું ચિત્ર ઉપસાવે છે.
કયાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
ભૂજ ૪૦.૪
કંડલા પોર્ટ ૩૯.૬
સુરેન્દ્રનગર ૩૯.૩
કંડલા એરપોર્ટ ૩૯.૦
ડીસા ૩૮.૬
રાજકોટ ૩૮.૬
નલિયા ૩૮.૪
પોરબંદર ૩૮.૧
અમદાવાદ ૩૭.૭
મહુવા ૩૭.૪
સુરત ૩૭.ર
ભાવનગર ૩૭.૦