અમદાવાદ, તા.ર૮
અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આજ તા.ર૮ના રોજ ગુજરાત કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટની એક મીટિંગ ગુજરાતના લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન ગુલાબખાન રાઉમાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કોંગ્રેસ પક્ષના લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન, ઝોનલ ચેરમેન તથા જિલ્લાના ચેરમેનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. મીટિંગમાં આવનારા દિવસોમાં આવી રહેલી લોકસભાની ચૂંટણી અંગે સમગ્ર હોદ્દેદારોએ વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરી હતી. અને કોંગ્રેસ પક્ષ તરફે વધુને વધુ મતદાન થાય અને કોંગ્રેસના ઉમેદવારો જંગી બહુમતીથી જીતે તેવા પ્રયાસો હાથ ધરવા ચેરમેન ગુલાબખાન રાઉમાએ અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ગરીબો, પછાતો અને દલિતોની પાર્ટી છે. તેઓના ઉદ્ધાર માટે કામ કરે છે. આ મીટિંગમાં પ્રદેશ લઘુમતી ડિપાર્ટમેન્ટના વાઈસ ચેરમેન ચિરાગભાઈ શેખ દ્વારા કોંગ્રેસપક્ષના ઉમેદવારોને જીતાડવા અપીલ કરાઈ હતી તથા ઝોનલ ચેરમેનો દ્વારા વિવિધ સૂચનો કરાયા હતા.
આ પ્રસંગે ઈસ્માઈલભાઈ મહેતર, ઈકબાલભાઈ ગોરી, ઈમ્તિયાઝ અલી કાદરી, ઈરફાન અહેમદ પીરઝાદા સહિતના મોટી સંખ્યામાં લઘુમતી ડિપાર્ટમેન્ટના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.