પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે અને તેને ૨૯મી માર્ચ સુધી જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે ત્યારે આ અંગે ભારતમાં રાજકીય નિવેદનો શરૂ થઇ ગયા છે. ભાજપે આને સરકારની સફળતા ગણાવી છે ત્યારે કોંગ્રેસે કહ્યું છે કે, ચૂંટણી નજીક આવતા લંડનમાં નીરવ મોદીની ધરપકડ થઇ છે. કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે કહ્યું છે કે, ભાજપે નીરવ મોદીને ફક્ત ભારતમાંથી વિમાનમાં ઉડાન ભરવામાં મદદ કરી હતી. હવે તેને પરત લાવવામાં આવી રહ્યો છે. નીરવ મોદીને ચૂંટણી માટે પરત લાવશે અને ચૂંટણી પછી તેને પાછો લંડન મોકલી દેવાશે. બીજી તરફ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીને ભારતે સફળતા મેળવી હોવાની વાત કરીને સવાલ કરાતા તેમણે કહ્યું કે, શું આને સફળતા કહેવાય ? જ્યારે ઓમર અબ્દુલ્લાહે કહ્યું કે, નીરવ મોદીની ધરપકડ બાદ ભાજપ તેનો શ્રેય નરેન્દ્ર મોદીને આપે છે જ્યારે વાસ્તવિકતા તેનાથી બિલકુલ અલગ છે. લંડનમાં ટેલિગ્રાફ અને તેના પત્રકારે નીરવ મોદીને શોધી કાઢ્યો પરંતુ વડાપ્રધાન અને તેમની એજન્સીને ના મળ્યો.