(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે પહોંચેલા વિપક્ષના પ્રતિનિધિમંડળમાં સામેલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે રાજ્યની પરિસ્થિતિ અંગે વિરોધાભાસી નિવેદનો આપવાનો સરકાર સામે આરોપ મૂક્યો છે. ચાલુ મહિનાના પ્રારંભમાં જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ રદ કરવામાં આવી ત્યારથી રાજ્યમાં નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ગુલામનબી આઝાદે જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ હોવાના દાવાઓ સામે પ્રશ્ન ઉઠાવીને જણાવ્યું કે જો રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય છે તો ડો.ફારૂક અબ્દુલ્લાહ, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સહિત રાજ્યના ઘણા રાજકીય નેતાઓને શા માટે નજરકેદ કરવામાં આવ્યા છે ? તેમણે એવો પણ પ્રશ્ન કર્યો કે જો પરિસ્થિતિ સામાન્ય છે તો હું રાજ્યનો પૂર્વ મુખ્યપ્રધાન છું, મને શા માટે મારા ઘરે જવા દેવામાં આવી રહ્યો નથી ? પોતાના ઘરે પત્રકારો સાથેની વાતચીતમાં ગુલામનબી આઝાદે આ પ્રશ્નો ઉઠાવ્યા હતા.ે તેમણે કહ્યું કે લગભગ ૨૦ દિવસ થઇ ગયા છે. એક તરફ સરકાર કહે છે કે બધું જ સામાન્ય છે જ્યારે બીજીબાજુ કોઇને પણ ત્યાં જવા દેવામાં આવતા નથી. મેં આવો વિરોધાભાસ ક્યારેય જોયો નથી. કાશ્મીરની પરિસ્થિતિ અંગે ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન વિશે ચિંતા વ્યક્ત કરતાં ગુલામનબી આઝાદે જણાવ્યું કે વિપક્ષના પ્રતિનિધિમંડળમાં સામેલ બધા જવાબદાર રાજકીય પક્ષોના જવાબદાર નેતાઓ છે. અમે કોઇ કાયદાનો ભંગ કરવાના નથી. જમ્મુ અને કાશ્મીર તેમ જ લદ્દાખનો મુદ્દો ચિંતાજનક છે.