તા.૧૦
ગુજરાત સરકાર ર૦૦રના ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં સખત સજા આપવા માંગતી નથી. સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમને ટ્રાયલ કોર્ટના ચુકાદા વિરૂદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવાની પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો હતો. આ ચુકાદામાં કોર્ટે ૧૪ લોકોને નિર્દોષ છોડી મૂક્યા હતા અને ૧૧ દોષિતોને આજીવન કારાવાસની સજા આપી હતી. સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમના એક વરિષ્ઠ અધિકારીએ ફેબ્રુઆરી ર૦૧૮માં ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અમને ગયા મહિને રાજ્ય સરકાર તરફથી એક પત્ર મળ્યો હતો. જેમાં ટ્રાયલ કોર્ટના ચુકાદા વિરૂદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. તે પત્ર ગુજરાતીમાં હતો અને તેના પર સચિવના હસ્તાક્ષર હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર ચુકાદાને સ્વીકારે છે અને હાઈકોર્ટમાં અપીલ કરવા માટે કોઈ આધાર નથી. જૂન-ર૦૧૬માં અમદાવાદની અદાલતે આ કેસમાં ર૪ લોકોને દોષિત જાહેર કર્યા હતા. જ્યારે ૩૬ લોકોને નિર્દોષ છોડી મૂક્યા હતા. ર૪માંથી ૧૧ આરોપીઓને આજીવન કારાવાસ, એક દોષિતને ૧૦ વર્ષની જેલ અને ૧ર દોષિતોને ૭ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. સીટના અધિકારીએ જણાવ્યું હતું કે કાયદાકીય રીતે આ કેસમાં સરકાર ફરિયાદી છે અને તેની મંજૂરી વગર સીટ એકલી હાઈકોર્ટમાં ન જીઈ શકે અને આ મહિનાના અંતમાં રાજ્ય સરકારના નિર્ણયનો અમારા પ્રોગ્રેસ રિપોર્ટમાં ઉલ્લેખ કરી સુપ્રીમ કોર્ટમાં જમા કરાવીશું. ઉલ્લેખનીય છે કે ર૦૦રમાં લગભગ ર૦,૦૦૦ લોકોના ટોળાએ અમદાવાદની ગુલબર્ગ સોસાયટી પર હુમલો કરી ૬૯ મુસ્લિમોની હત્યા કરી હતી જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીનો પણ સમાવેશ થતો હતો.