અમદાવાદ, તા.૨૧
ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનાર ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં આ હત્યાકાંડમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાસંદ એહસાન જાફરીના વિધવા ઝકિયા જાફરીએ સીટના કલોઝર રિપોર્ટને પડકારતી હાઇકોર્ટમાં કરેલી રિવીઝન અરજીમાં આજે ગુજરાત હાઇકોર્ટે તેનો ચુકાદો ટાળી દીધો હતો. હાઇકોર્ટે અરજદાર અને સરકારપક્ષને કેસની સુનાવણી દરમ્યાન કેટલાક પ્રશ્નો કર્યા હતા અને તેના જવાબ રજૂ કરવા મૌખિક નિર્દેશ કર્યો હતો. કોર્ટના પ્રશ્નોના પ્રત્યુત્તર મળ્યા બાદ હાઇકોર્ટ દ્વારા તા.૨૪મી અથવા તા.૨૮મી ઓગસ્ટના રોજ આ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કરાય તેવી શકયતા છે. હાઇકોર્ટે આજે અરજદારપક્ષ અને સીટ(સરકારપક્ષ)ને મહત્વની પૃચ્છા કરી હતી કે, શું સુપ્રીમકોર્ટના હુકમને લગતા તમામ કાગળો-દસ્તાવેજો ગુલબર્ગ કેસના ટ્રાયલમાં મૂકવામાં આવ્યા હતા?, શું સુપ્રીમકોર્ટના આખરી નિર્ણય બાદ ગુલબર્ગ હત્યાકાંડ કેસ કે ૨૦૦૨ના રમખાણોના કેસમાં કોઇ વધુ તપાસ થઇ હતી ખરી?, ગુલબર્ગ કેસના ચુકાદામાં આ પ્રકારની ઘણી વિગતોનો ઉલ્લેખ નથી તો કેમ ? હાઇકોર્ટે આ તમામ પૃચ્છા પર જવાબ આપવા પક્ષકારોને નિર્દેશ કર્યો હતો. ચકચારભર્યા ગુલબર્ગ હત્યાકાંડના આ મામલાની વિગતો એવી છે કે, ગુલબર્ગ હત્યાકાંડ કેસ સંદર્ભે રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અન્ય રાજકીય નેતાઓ-આગેવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ૬૭ જણાં સામે એફઆઇઆર દાખલ કરવા અગાઉ ઝકિયા જાફરીએ રાજયના ડીજીપીને અરજી કરી હતી. જો કે, ડીજીપીએ તેમની આ અરજી ગ્રાહ્ય રાખી ન હતી. જેને પગલે ઝકિયા જાફરીએ મોદી સહિતના મહાનુભાવો વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. પરંતુ હાઇકોર્ટે પણ તેમની આ રિટ અરજી ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, જો પોલીસ દ્વારા આ મામલે એફઆઇઆર દાખલ ના કરવામાં આવતી હોય તો અરજદાર ઝકિયા જાફરી સંબંધિત કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરી શકે છે. એ પછી ઝકિયા જાફરીએ સુપ્રીમકોર્ટમાં આ સમગ્ર મુદ્દે પિટિશન દાખલ કરી હતી. જેમાં સુપ્રીમકોર્ટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમને ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં તપાસ કરવાનો હુકમ કર્યો હતો. સીટના અધિકારીઓએ તપાસના અંતે સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર, મેટ્રોપોલીટન કોર્ટમાં ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં કલોઝર રિપોર્ટ રજૂ કર્યો હતો. જેની સામે ઝકિયા જાફરીએ પોતાની વાંધા અરજી રજૂ કરી હતી, જેને કોર્ટે ફગાવી દઇ સીટના કલોઝર રિપોર્ટને ગ્રાહ્ય રાખ્યો હતો. સીટના આ કલોઝર રિપોર્ટને પડકારતી રિવીઝન અરજીમાં ઝકિયા જાફરીએ માંગણી કરી હતી કે, ગુલબર્ગ હત્યાકાંડના સમગ્ર કેસમાં વધુ તપાસ કરાવવામાં આવે અને તેમની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ના કલોઝર રિપોર્ટ સામે વાંધાઓ રજૂ કરતી જે વાંધા અરજી અપાઇ હતી, તેને જ ખાનગી ફરિયાદ ગણીને જે તે કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવે. જો કે, સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ) તરફથી ઝકિયા જાફરીની અરજીનો સખત વિરોધ કરતાં જણાવાયું હતું કે, સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે અને સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર જ નીચલી કોર્ટ(મેટ્રોપોલીટન કોર્ટ)માં આ કેસમાં કલોઝર રિપોર્ટ રજૂ કર્યો છે. વળી, નીચલી કોર્ટમાં સીટે જયારે કલોઝર રિપોર્ટ રજૂ કર્યો ત્યારે અરજદારને દલીલો અને રજૂઆત કરવાની પૂરતી તક અપાઇ હતી. કોર્ટે જાફરીની રજૂઆત અને દલીલો ધ્યાને લઇને તેમ જ તેમની વાંધાઅરજીની હકીકતો પણ લક્ષ્યમાં લીધા બાદ જ કોર્ટે સીટનો કલોઝર રિપોર્ટ મંજૂર કર્યો હતો. સીટે આ કેસમાં જે તપાસ કરી તે સીઆરપીસીની કલમ-૧૭૩(૮) હેઠળ જ કરી છે અને તેથી ફરીથી એ જ પરિપ્રેક્ષ્યમાં તપાસ કરાવવાની અરજદારની માંગણી સ્વીકારી શકાય નહી. અરજદારને સીટની તપાસ સામે વાંધો હોય અને જો એવું લાગતું હોય કે તપાસનીશ એજન્સીએ યોગ્ય તપાસ કરી નથી, તો તેમની પાસે સક્ષમ કોર્ટમાં ખાનગી ફરિયાદનો વિકલ્પ ખુલ્લો છે. અગાઉ હાઇકોર્ટે પણ અરજદારને ખાનગી ફરિયાદની મંજૂરી આપી છે ત્યારે તેઓ તે વિકલ્પ અપનાવી શકે છે. બાકી, સમગ્ર કેસમાં હવે વધુ તપાસની માંગ કોઇપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહી.