અમદાવાદ,તા.૧૨
હાઇકોર્ટ દ્વારા ગટરની સાફ સફાઇ માટે સફાઈ કામદારને અંદર ઉતારવો નહીં તે પ્રકારની સંબંધિત તંત્રને કડક તાકીદ કરાઇ હોવા છતાં મોડી રાત્રે જમાલપુરમાં ગટર સાફ કરવા માટે એક મજૂરને ઉતારવામાં આવતાં તેનું ગૂંગળામણથી મોત થતાં ભારે વિવાદ ઉઠ્યો છે. જમાલપુરની રિયાઝ હોટલ પાસે ગઇ કાલે વહેલી સવારેગટરની સાફ સફાઇનું કામ ચાલતું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી કોન્ટ્રાકટરને આ કામગીરી સોંપાઇ હતી જેમાં ખાનગી કોન્ટ્રાકટરના મજૂર દલસુખભાઇને ગટર સાફ કરવા માટે નીચે ઉતારાયા હતા. જે દરમ્યાન ગટરના ઝેરી ગેસથી ગૂંગળાઇ જતાં તેમનું મોત થયું હતું. દરમ્યાન મૃતકનાં પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે સુપરવાઇઝર દ્વારા દલસુખભાઇને જબરદસ્તીથી ગટરમાં ઉતારાયા હતા. આ સુપરવાઇઝરને તાત્કાલીક સસ્પેન્ડ કરવાની પણ પરિવારજનોએ માગણી કરી છે. આ દરમ્યાન મૃતકનાં સગાંઓ સાથે વી.એસ. હોસ્પિટલના બાઉન્સરોની દાદાગીરીનો મામલો પણ પ્રકાશમાં આવ્યો છે. જાણકાર સૂત્રો કહે છે વી.એસ. હોસ્પિટલના બાઉન્સરોએ મૃતદેહને હોસ્પિટલમાં લઇ જવા મામલે મૃતકનાં સગાં સાથે મારપીટ કરી હતી. જેના કારણે ઉશ્કેરાયેલા પરિવારજનોએ મ્યુનિ. તંત્ર દ્વારા આર્થિક સહાય નહીં ચૂકવાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે તેવી માગ કરી હતી. જોકે આ સમગ્ર ઘટના અંગે મધ્યઝોનના એડિશનલ સિટી ઇજનેર અમિત પટેલનો મોબાઇલ પર સંપર્ક થઇ શકતો નથી. આ ઉપરાંત વી.એસ. હોસ્પિટલના સત્તાવાળાઓ પણ જવાબ આપતા નથી. દરમિયાન સફાઈ કામદારના મોત મામલે સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. જેમાં કોર્પોરેશનના અધીકારીઓએ જ કામદારને કોઈપણ પ્રકારની સેફટી વિના જ ગટરમાં ઉતાર્યો હતો કામદાર ગટરમાં ઉતરતો સીસીટીવીમાં જણાઈ રહ્યો છે. ત્યારબાદ ફાયર બ્રિગેડના કૃમચારીઓ ડ્રેનેજમાં સે.ટીકવચ સાથે રેસ્ક્યુ કરવા ઉતર્યા હતા. આમ આ ઘટનામાં હાજર અધિકારી જવાબદાર હોવાનું સામે આવ્યું છે.