હિંમતનગર,તા.ર૭
સાબરકાંઠા જિલ્લામાં આવેલા પછાત વર્ગના વિદ્યાર્થીઓને સંત રવિદાસ ઉચ્ચ કૌશલ્ય વર્ધક તાલીમ યોજના અમલી બનાવીને તેમના ઉત્થાન માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે ત્યારે હિંમતનગરના સેવા સદનમાં આવેલ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાં ફરજ બજાવતા નાયબ નિયામક, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી તથા અન્ય ત્રણ જણાએ ભેગા મળી આ યોજના હેઠળ ખોટા બિલો અને લાભાર્થીઓના નામે લાખો રૂપિયા ઉધારી દઈ સરકારી નાણાંની ઉચાપત કરી હોવાની ચાલીસ દિવસ અગાઉ ખબર પડતાં મહેસાણા એસીબીએ સર્ચ ઓપરેશન કર્યું હતું જેમાં પાંચ જણા વિરૂધ્ધ કરાયેલી તપાસ બાદ કૌભાંડ થયું હોવાનું જણાતા મહેસાણા એસીબીએ તેમની વિરૂધ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મહેસાણા એસીબીના પી.આઈ. વી.જે. જાડેજા તથા શ્રીમતી આર.એન. સોલંકીના જણાવાયા મુજબ હિંમતનગર કલેકટર કચેરીમાં આવેલ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાં કેટલાક લાભાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આપવામાં આવતી સંત રવિદાસ ઉચ્ચ કૌશલ્ય વર્ધક તાલીમ યોજના સંદર્ભ આ કચેરીમાં ફરજ બજાવતા નાયબ નિયામક, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી તથા અન્ય ત્રણ એનજીઓએ એક બીજાના મેળાપીંપણાથી સરકારી નાણાંની ઉચાપત કરાતી હોવાની ફરિયાદો ગાંધીનગર ખાતે ઘણા સમય અગાઉ કરાઈ હતી જે આધારે ગાંધીનગરથી ગુપ્ત રીતે તપાસ કરાતા હિંમતનગર સ્થિત અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાં કૌભાંડ ચાલતુ હોવાનું તત્કાલિન સમયે જાણવા મળ્યું હતું.
ત્યાર બાદ ગાંધીનગરથી આ અંગે ગત તા.૧૮-૭-ર૦૧૮ના રોજ મહેસાણા એસીબીને તપાસ સોંપવામાં આવી હતી. જે આધારે મહેસાણા એસીબીએ હિંમતનગર આવી અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાં તપાસ કરી કેટલીક શંકાસ્પદ કામગીરીના હિસાબો તપાસ્યા હતા. જેમાં લાખો રૂપિયાના ખોટા બિલો રજૂ કરીને ઉચાપત કરી હોવાનું જણાતા આ કચેરીમાં ફરજ બજાવતા બે અધિકારીઓ તથા અમદાવાદ, ઈન્દોર અને હરિયાણાના ગુડગાવના એનજીઓના સંચાલકોની તેમાં સંડોવણી હોવાનું જણાયું હતું. જે અંગે ગાંધીનગર ખાતે તપાસનો અહેવાલ રજૂ કરાયા બાદ આ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાના આપેલા આદેશ બાદ મહેસાણા એસીબીના પીઆઈ વી.જે. જાડેજાએ પાંચ જણા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જે અંગે હિંમતનગર સ્થિત અનુસુચિત જાતિ કલ્યાણ કચેરીમાં ખબર પડતાની સાથે જ અધિકારીઓ અને કર્મચારીઓમાં સોંપો પડી ગયો હતો. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તપાસમાં પકડાયેલા અધિકારીઓએ અને એનજીઓના સંચાલકોએ કેટલા રૂપિયાની ઉચાપત કરી છે તે અંગે તપાસનીશ અધિકારીઓ હાલના તબકકે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી થોભો અને રાહ જુઓ એમ કહી ટૂંકો જવાબ આપી વાતને પૂર્ણ કરી દીધો હતો.
કોની વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ
અરજણ મોતીભાઈ પટેલ- નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, હિંમતનગર- ગણપત મોહનભાઈ ચૌહાણ- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, હિંમતનગર, રોહિત પટેલ- સંચાલક નિર્મળ ફાઉન્ડેશન, અમદાવાદ, આઈ.ટી. આર.સી. ટેકનોલોજી- ઈન્દોર, મધ્યપ્રદેશ, લોરીયસ એજયુકેશન ટેક- ગુડગાવ, હરિયાણા.