(એજન્સી) ભીવંડી, તા.૧ર
મહારાષ્ટ્રની ભીવંડીની સ્થાનિક કોર્ટે રાહુલ ગાંધીની સામે ફોજદારી બદનક્ષી કેસના સંદર્ભે આરોપો ઘડ્યા હતા. એમની સામે આરએસએસના કાર્યકર્તાએ કેસ દાખલ કર્યો છે. રાહુલ ગાંધી ઉપર આક્ષેપો છે કે એમણે આરએસએસને બદનામ કરતું નિવેદન આપ્યું હતું. રાહુલે સંઘ ઉપર આક્ષેપો મૂક્યા હતા કે મહાત્મા ગાંધીની પાછળ સંઘ પરિવારનો હાથ હતો. આક્ષેપો એમણે ર૦૧૪માં એક રેલીને સંબોધન કરતા મૂક્યા હતા.
મેજિસ્ટ્રેટે રાહુલ ગાંધીની સામે ઈપીકોની કલમ ૪૯૯ અને પ૦૦ હેઠળ આરોપો ઘડ્યા હતા. રાહુલ ગાંધીને આરોપો સંભળાવ્યા પછી પૂછવામાં આવ્યું કે, શું તમને ગુનો મંજૂર છે. ત્યારે રાહુલે નકારમાં જવાબ આપ્યો હતો એ પછી રાહુલ ગાંધીને કોર્ટમાં જવા દેવાયો હતો અને આગામી સુનાવણી ૧૦મી ઓગસ્ટે રખાઈ હતી.
કોર્ટથી બહાર આવી રાહુલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ભાજપ અને સંઘ ગમે તેટલા કેસો કરે. હું ડરવાનો નથી. હું બધા કેસો લડીશ અને જીતીશ.
રાહુલે કહ્યું અમારી લડાઈ વડાપ્રધાનની નીતિઓ સામે છે. ખેડૂતો અને યુવાઓ અસંતુષ્ટ છે. વડાપ્રધાન યુવાઓને નોકરીઓ બાબત વાત નથી કરતા. સરકાર ફક્ત ધનિકો માટે છે. મોદી હંમેશા ‘મન કી બાત’ કરે છે ક્યારેક એમણે ‘કામ કી બાત’ પણ કરવી જોઈએ.
રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ સંઘના કાર્યકર્તા રાજેશ કુંતેએ ર૦૧૪ના વર્ષમાં દાખલ કર્યો હતો. એમણે આક્ષેપો મૂક્યા હતા કે રાહુલે સંઘની છબિ બગાડતું નિવેદન કર્યું હતું. કુન્તેની ફરિયાદના પગલે મેજિસ્ટ્રેટ કોર્ટે ૧૧મી જુલાઈ ર૦૧૪માં ટ્રાયલનો સામનો કરવા સમન્સ મોકલ્યો હતો. ૧૦મી માર્ચ ર૦૧પમાં બોમ્બે હાઈકોર્ટે કેસ રદ કરવાની અરજી રદ કરી હતી. એ પછી રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી પણ પછીથી અરજી પાછી ખેંચી હતી.
RSS દ્વારા દાખલ કરાયેલ બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીએ ‘ગુનો ન કબૂલ્યો’

Recent Comments