અમદાવાદ, તા.૩૦
બે દિવસ પહેલા મહેસાણાના કડી ખાતેના એક ગામની કેનાલમાંથી એક વેપારીની લાશ મળી હતી. આ વેપારી ૨૫મી તારીખથી જ ગુમ થયા હતા. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ પણ કરાઇ હતી. વેપારીએ આપઘાત કરી લેતા હવે વ્યાજખોરો સામે ચાંદખેડા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વેપારી છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયા હતા અને તેઓની ગાડી તથા મકાન પણ વ્યાજખોરોએ પચાવી પાડ્યું હતું. પોલીસને વેપારીએ લખેલી એક સુસાઇડ નોટ પણ મળી છે. જેમાં તેણે પરિવારની માફી માંગી છે, તેમજ વ્યાજખોરો પરિવારને જીવવા નહીં દે તેવા ડરને કારણે આપઘાત કરી રહ્યાનું લખ્યું છે. ચાંદખેડામાં રહેતા અંજુબેન વર્મા છેલ્લા કેટલાય દિવસોથી તે જ વિસ્તારમાં ભાડેથી પરિવાર સાથે રહેતા હતા. તેમના બે પુત્રો બેંગલુરુ ખાતે નોકરી કરે છે. તેમનું પોતાનું ઘર હતું પણ તે વ્યાજખોરોએ પડાવી લીધું હતું. અંજુબેનના પતિ વિજયભાઇ ફર્નિચરની દુકાન ધરાવી વેપાર કરે છે. ગત તા. ૨૫મીએ વિજયભાઇ દુકાનેથી ઘરે આવવા નીકળ્યા હતા પણ તેઓ ઘરે પહોંચ્યા ન હતા. જેથી દુકાનના કર્મચારીએ ઘરે વાત કરતા તેઓ વિજયભાઇની શોધખોળ હાથ ધરવા નીકળ્યા હતા. તપોવન સર્કલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસેથી તેમનું વાહન મળ્યું હતું અને ડેકીમાંથી ફોન મળ્યો હતો પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. બે દિવસ પહેલા જાણવા મળ્યું કે કડીના કરણનગર કેનાલમાંથી એક વ્યક્તિની લાશ મળી છે. તપાસ કરતા લાશ વિજયભાઇની હતી અને તેમની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી હતી. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, “તમામ વ્યાજખોરો પાસેથી જેટલા લીધા હતા તેનાથી વધારે પૈસા ચુકવ્યા છતાં તેઓ ત્રાસ આપે છે, તેઓ પરિવારને જીવવા નહીં દે, તેથી કંટાળી આપઘાત કરૂ છું.” પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ગત ૧૫મીએ તેમના ઘરે સુરેશ ગુલાટી નામનો વ્યક્તિ આવ્યો હતો અને તેણે પૈસાની માંગણી કરી હતી. એટલું જ નહીં તેણે કોરા કાગળોમાં સહીઓ કરાવી લીધી હતી. બીજા જ દિવસે તેઓએ તેમનું ઘર ખાલી કરી નાખ્યું હતું. થોડા દિવસ પહેલા વિજયભાઇ દુકાને ગાડી લઇને ગયા હતા પણ રાત્રે તેઓ ટુવ્હીલર પર ઘરે આવ્યા હતા. અંજુબેને ગાડી બાબતે પૂછતા જણાવ્યું હતું કે યોગરાજસિંહ ચુડાસમા રૂપિયાના બદલે ગાડી લઇ ગયા હતા. વિજયભાઇના આપઘાત બાદ વર્મા પરિવારે અંતિમવિધિ કરી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી યોગરાજસિંહ ચુડાસમા, યરલ શાહ, જયેશ દેસાઇ, સુરેશ ગુલાટી, મહેશ પ્રજાપતિ, હરેશ ચાવડા, મહાવીરસિંહ સામે આઇપીસી ૩૦૬,૧૧૪ મુજબ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વેપારીએ સુસાઇડ નોટમાં શું લખ્યું છે ?

૨૨ ડિસેમ્બરના રોજ લખવામાં આવેલી સુસાઇડ નોટમાં વેપારીએ લખ્યું છે કે, “હું સંપૂર્ણ સભાન અવસ્થામાં અને શાંત દિમાગ સાથે સમજી વિચારીને આ લખી રહ્યો છું. ધંધામાં નુકસાન જતા મેં અનેક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. હું સમયસર વ્યાજની ચુકવણી કરતો હતો. પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે હું વ્યાજ કે મૂડી ચુકવી શકું તેમ નથી. નીચે આપેલી લોકોને મૂડીથી અનેકગણું વધારે વ્યાજ આપી ચૂક્યો છું. છતાં આ લોકો મને એટલો પરેશાન અને ટોર્ચર કરે છે કે મારું જીવવું હરામ થઈ ગયું છે. તો પણ હું નથી ઇચ્છતો કે કોઈને પરેશાન કરવામાં આવે. હું એટલું જ ઇચ્છું છું કે મારા ગયા પછી મારા પરિવાર કે સંબંધીને કોઈ પરેશાન ન કરે. કારણ કે મારા સિવાય કોઈ અન્યની પૈસા માટે જવાબદારી નથી.” વ્યાજખોરોને સુરક્ષા માટે જે ચેક આપ્યા છે તેની પણ ધમકી આપે છે. જે લોકોને મૂડીથી વધારે પૈસા ચુકવી દીધા છે તેમના નામ આ પ્રમાણે છે. યોગરાજસિંહ ચુડાસમા, યરલભાઈ શાહ, જયેશ દેસાઇ, સુરેશ ગુલાટી. સંગાથ મોલ-૧માં મારી પત્નીના નામ પર જે સંપત્તિ છે, તે જેમણે પોતાના નામે કરાવી લીધી છે તેના નામ આ પ્રમાણે છે. મહેશભાઈ પ્રજાપતિ, હરિશ ચાવડા, મહાવીરભાઈ. આ લોકો પ્રોપર્ટી છૂટ્ટી કરી દે તો તેમને પરેશાન કરવામાં ન આવે.” “મેં જેમને પણ ચેક આપ્યા છે તેમાં તમામ સહિઓ મેં કરી છે. મારા મોત બાદ મારી જે પણ બાકી રકમ છે તેની જવાબદારી મારા પરિવાર કે સંબંધીઓની નથી. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આ માટે હું આ નિર્ણય લેવા માટે મજબૂર છું. પોતાની જાતને પૂરી કર્યા સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી. નહીં તો આ લોકો મને અને મારા પરિવારને જીવવા ન દેતા. હું મારા પરિવાર, સંબંધીઓ અને સારા મિત્રોની માફી માંગું છું કે તમારો આટલો જ સાથ આપી શક્યો. હું મારા પરિવારને ખૂબ પ્રેમ કરું છું.”