(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવામાં આવ્યા બાદ ભારત સાથેની ખેંચતાણ વચ્ચે ગુપ્તચર એજન્સી આઇબીએ પાકિસ્તાનમાં તાલીમ પામેલ કમાન્ડોએ હરામી નાળા ક્ષેત્ર દ્વારા ગુજરાતના કચ્છની ખાડીમાં ઘૂસણખોરી કરી હોવાની ચેતવણી આપી છે. સાંપ્રદાયિક સોહાર્દ બગાડવા કે પછી ગુજરાતમાં આતંકી હુમલા કરવા માટે કચ્છ વિસ્તારમાંથી ભારતીય સરહદમાં પાકિસ્તાનીે કમાન્ડોની ઘૂસણખોરીના ગુપ્તચર એજન્સીના અહેવાલો બાદ ગુજરાતના બધા પોટ્‌ર્સને હાઇએલર્ટ કરી દેવામાં આવ્યા છે અને કંડલા પોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે અને સાથે જ ચાંપતી નજર રાખવા માટે કચ્છના ખાડી વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યુંં છે. અદાણી પોર્ટ અને સેઝના નિવેદન મુજબ તટરક્ષક બળ સ્ટેશનેથી એવી માહિતી મળી છે કે દરિયામાં હુમલા કરવા માટે તાલીમ પામેલા પાકિસ્તાની કમાન્ડો કચ્છની ખાડીમાં ઘૂસી ગયા છે. દરમિયાન, ગુજરાતમાં કોઇ પણ પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળવા અને સુરક્ષાના ઉપાયો કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. મુંદ્રા પોર્ટના બધા જહાજને અત્યંત સુરક્ષા ઉપાય કરવા અને ચાંપતી નજર રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. આઇબીના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનના ટ્રેન્ડ એસએસજી કમાન્ડો કે પછી આતંકીઓના કચ્છની ખાડી કે સરક્રિક વિસ્તારમાંથી નાની હોડીઓ દ્વારા ઘૂસણખોરી કરવાના શક્યતા હોવાના અહેવાલોને પગલે બીએસએફ અને ભારતીય તટરક્ષક દળો તેમ જ અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કંડલા પોર્ટ ટ્રસ્ટના નામે જાણીતા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના સિગનલ સુપ્રિન્ટેન્ડન્ટના હસ્તાક્ષર સાથે જારી કરવામાં આવેલા એલર્ટમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાનું જણાવવામાં આવ્યું છે. હાઇ એલર્ટમાં ભારે તૈયાર અને સતર્ક રહેવા, નબળા પડી શકે એવા વિસ્તારોમાં મહત્તમ સાધનો ઉપલબ્ધ કરાવવા તેમ જ કર્મચારીઓની તૈનાત કરવા, દરિયા કાંઠા નજીક શંકાસ્પદ વ્યક્તિઓ અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવા, કાંઠાના આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ રાખવા, આસપાસના ઘરો અને ઓફિસોમાં બધા વાહનોની તલાશી લેવાની બાબતોનો સમાવેશ થાય છે.

જૈશ-એ-મોહમ્મદ આતંકીઓને દરિયામાં હુમલા કરવાની
ટ્રેનિંગ આપી રહ્યું હોવાનો નૌકાદળના વડાનો દાવો

નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહે સોમવારે ગુપ્તચર અહેવાલોને ટાંકીને એવો દાવો કર્યો હતો કે પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ તેના આતંકીઓને પાણીની નીચે (દરિયામાં) હુમલા કરવાની ટ્રેનિંગ આપી રહ્યું છે. પુણેમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન એડમિરલ કરમબીરસિંહે જણાવ્યું હતું કે ‘અમને એવી ગુપ્ચતર માહિતી મળી છે કે જૈશ-એ-મોહમ્મદની અંડર વોટર વિંગને હુમલા કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે… તેના પર અમારી ચાંપતી નજર છે. તેમણે એવું પણ કહ્યું હતું કે અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે આવું કોઇ પણ ષડયંત્ર નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ પણે તૈયાર છીએ. નૌકાદળને આપવામાં આવેલી ગુપ્તચર માહિતીમાં નૌકાદળના યુદ્ધ વહાણો પર હુમલા કરવા માટે જૈશ-એ-મોહમ્મદ દ્વારા ડીપ સી ડાઇવરો (ઉંડા સમુદ્રમાં ડૂબકી મારવામાં સક્ષમ)નો ઉપયોગ કરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ એલર્ટમાં એવો સંકેત આપવામાં આવ્યો હતો કે ત્રાસવાદીઓની એક ટોળકીને પાકિસ્તાનના બહાવલપુરમાં ઉંડા દરિયામાં કામ આવતી ટેકનિકોની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને તેઓ નૌકાદળના વ્યૂહાત્મકરીતે મહત્વના સંસાધનો પર હુમલા કરવાનું ષડયંત્ર કરી રહ્યા હોવાની સંભાવના છે.