(એજન્સી) ચંદીગઢ,તા.૪
બળાત્કાર મામલે જેલમાં સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સોદાના ગુરમીત રામ-રહીમ સિંહના ટેકેદારોએ નવો વિવાદ જન્માવતા ધમકી આપી હતી કે, તેઓ સામૂહિક રીતે ઈસ્લામ ધર્મ અંગિકાર કરી લેશે. સિરસા સ્થિત ડેરાના અનુયાયીઓએ આરોપ લગાવ્યો હતો કે ગુરમીત રામ-રહીમ હિન્દુ હોવાના કારણે તેમને જેલ ભેગા કરાયા છે. દેશમાં હિન્દુ સંગઠનોને સરળતાથી નિશાન બનાવવામાં આવે છે. ડેરાના પ્રવક્તાના સંદીપ મિશ્રાએ સોશિયલ મીડિયા પર વાયરલ કરેલા વીડિયોમાં ઉક્ત ધમકી ઉચ્ચારી હતી. આ વીડિયો સિરસામાં બનાવવામાં આવ્યો હતો. જેમાં મિશ્રાના અન્ય ટેકેદારોના ચહેરા કપડાથી ઢાંકેલા હતા. મિશ્રાએ જણાવ્યું હતું કે, ડેરાના અનુયાયીઓ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને દિલ્હીની જામા મસ્જિદના ઈમામ સૈયદ અહેમદ બુખારી સાથે સંપર્કમાં છે. મિશ્રાએ હાસ્યાસ્પદ દાવો કરતા જણાવ્યું હતું કે, ભારતમાં હિન્દુ હોવું એક ગુન્હો છે. જેથી અમે શા માટે ધર્મ પરિવર્તન ન કરીએ ?! વીડિયોમાં માસ્કમાં રહેલી વ્યક્તિઓએ જણાવ્યું હતું કે, દેશમાં મુસ્લિમોને કોઈ હાથ પણ લગાવી શકતું નથી ! અમારા નેતા મુસ્લિમ નેતાઓના સંપર્કમાં છે. એક લાખ જેટલા અનુયાયીઓ ઈસ્લામ ધર્મ અંગિકાર કરવા તૈયાર છે. ગુરમીત રામ-રહીમ હિન્દુ હોવાની કિંમત ચૂકવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ નવા વિવાદ પાછળ મિશ્રા નહીં પણ કોઈ અન્ય ભેજુ કામ કરી રહ્યું છે. કેમ કે, રામ-રહીમ જાણે છે કે વિવાદ જન્માવવા કઈ રીતે ધર્મનું કાર્ડ ખેલવામાં આવે. જેથી આ વિવાદ પાછળ ગુરમીત રામ- રહીમનો જ હાથ હોવાની પ્રબળ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ડેરા પ્રમુખ જેલમાં બેઠા-બેઠા પણ પોતાના પંથનું સંચાલન કરી રહ્યા છે. તેમજ અનુયાયીઓને આગળ શું કાર્યવાહી કરવી તેનો નિર્દેશ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યમાં રહેલી ભાજપ નેતૃત્વની સરકારમાં, પોલીસમાં તેમજ બ્યુરોક્રેસીમાં બાબાના અનેક મિત્રો છે, જેઓ જેલમાંથી બાબાને ડેરાનું સંચાલન કરવા મદદ કરી રહ્યા છે. એટલું જ નહીં, ભાગેડુ જાહેર કરાયેલા બાબાના સમર્થક હનીપ્રીત અને ડો. આદિત્ય ઈન્સાન પણ તેમને મદદ કરી રહ્યા છે. જો કે જેલ સત્તાવાળાઓએ આ આરોપોનો ઈન્કાર કર્યો હતો.
ડેરાના પૂર્વ અનુયાયી ગુરદાસસિંહ તૂર અને બાબાના સગા ભૂપિન્દરસિંહ ગોરાએ જણાવ્યું હતું કે, રામ-રહીમ સારી રીતે જાણે છે કે, જ્યારે પરિસ્થિતિ વિપરિત હોય ત્યારે ધર્મનું કાર્ડ કઈ રીતે ખોલવું.