(એજન્સી) ગુરૂગ્રામ, તા.૨૬
ગુરૂગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. ૩૫ વોર્ડની યાદીમાં ભાજપને ૧૩ બેઠકોથી જ સંતોષ કરવો પડ્યો હતો. જ્યારે અપક્ષે ૨૧ બેઠકો પર જીત હાંસિલ કરી છે. તેમજ વિધાનસભામાં વિપક્ષની ભૂમિકા નિભાવી રહેલ ઈનેલોને પણ એક જ બેઠક પર જીત મેળવી હતી. ભાજપ આ ચૂંટણી સિમ્બલ પર લડી રહી હતી. જોકે, કોંગ્રેસે સિમ્બલ પર ચૂંટણી લડી ન હતી. એવામાં અપક્ષ ઉમેદવારો પર તમામ રાજકીય દળોની નજર હતી. કેબિનેટ મંત્રી રાવ નરબીર સિંહે ચૂંટણીના પરિણામો પર નિવેદન આપ્યું છે કે, જીતનાર અપક્ષના ઉમેદવાર ભાજપના જ કાર્યકરો છે. અને કોંગ્રેસ સિમ્બલ પર ચૂંટણી લડી હોત તો મોટી જીત હાંસિલ કરી શકી હોત. નરબીર સિંહે કહ્યું કે, ભાજપને જ જીત મળી છે.ભાજપનો જ નેતા મેયર બનશે. ગુરૂગ્રામની આ ચૂંટણીમાં વિપક્ષ ઈનેલોનો અત્યંત ખરાબ રીતે પરાજય થયો છે. તે હવે આ હારની સમીક્ષા કરવાની તૈયારીમાં છે. ઈનેલોના પ્રદેશાધ્યક્ષ અશોક અરોડાએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ઈનેલો આ હાર બાદ પક્ષની હાલની સ્થિતિ પર સમીક્ષા કરશે. પક્ષને મજબૂત કરવા માટે જનતાની મુલાકાત કરશે.