Ahmedabad

ગુરૂજનોનું ઘોર અપમાન : શિક્ષકો હવે ઘરે ઘરે ફરી જૂના પુસ્તકો ભેગા કરશે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૮
ગુજરાતની ભાજપ સરકાર રાજ્યના શિક્ષકો સાથે દુશ્મનની જેમ વર્તન કરી રહી છે. સેલ્ફ ફાઈનાન્સ દ્વારા શિક્ષણનો ખૂલ્લેઆમ વેપલો કરનાર ભાજપ સરકારે હવે ગરીબ વિદ્યાર્થીઓના નામે ઘરે ઘરથી પુસ્તકો ઉઘરાવવાનું કામ શિક્ષકોને સોંપી ગુરૂજનોનું અપમાન કર્યું હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતાએ જણાવ્યું છે.
પ્રવેશોત્સવથી લઈને ગુણોત્સવ સુધીના તાયફા કરતી ભાજપ સરકારના શાસનમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ અને શિક્ષણનો મૃત્યુઘંટ વાગી ગયો છે ત્યારે ગુજરાત મોડેલને શરમજનક કરનાર ભાજપ સરકારે શિક્ષકોને જૂના પુસ્તકો ભેગા કરવાના સોંપેલા કામને સખ્ત શબ્દોમાં વખોડી કાઢતાં કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડૉ.હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ભાજપ સરકાર રાજ્યના શિક્ષકો સાથે દુશ્મનની જેમ કેમ વર્તી રહી છે તે પ્રશ્ન ભાજપના ભક્તો સહિત શિક્ષણનું હિત ઈચ્છતા સૌ કોઈને થઈ રહ્યો છે. ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી શિક્ષકો દારૂ પીતા હોવાનું કહી અપમાન કરે તેને સરકાર છાવરી રહી છે તો સાતમાં પગાર પંચના એરિયર્સ સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં લાવવા સાથે મીટિંગ પણ કરવામાં આવતી નથી. ભાજપ સરકારે છેલ્લા રર વર્ષમાં શિક્ષકોને વસતી ગણતરી, મતદાર યાદી સુધારણાં, શૌચાલય જેવા ર૩ ઈતર અને રાજકીય કામો સોંપીને શિક્ષણની ઘોર ખોદી છે. તેમાં વધારો કરતાં શિક્ષકોને આ પસ્તી ભેગી કરવાનું કામ સોંપી અપમાન કરવામાં આવી રહ્યું છે.
થોડા સમય પહેલા જળસંચય અભિયાનમાં શિક્ષકો પાસે ખાડા ખોદાવનાર ભાજપ સરકારે બાળમજૂરીના નામે શાળાઓમાં સફાઈ કાર્યક્રમ બંધ કરાવ્યો છે. પરંતુ સરકાર દ્વારા શાળાઓમાં સફાઈ કામદાર કે પટાવાળાની ભરતીની મંજૂરી આપવામાં આવતી નથી. આથી શિક્ષકોને જ કચરો વાળવો પડે છે. આમ છતાં પ્રવેશોત્સવ કે ગુણોત્સવમાં કેટલાક અધિકારીઓ મહેમાનગતિ જ માણવા આવી રોફ જમાવતા હોવાના બહાર આવી રહેલા કિસ્સાઓ પણ ગુજરાત મોડેલ માટે શરમજનક છે. ત્યારે ડૉ.હિમાંશુ પટેલે મનસ્વી નિર્ણય કરતા અધિકારીઓ શિક્ષણ વિભાગના જવાબદાર લોકોને જ પસ્તી ભેગી કરવાનું સોંપી કચરો સાફ કરવા અપીલ કરી છે.