(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૩
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી પાસે દર ગુરૂવારે ભરાતું ગુરૂવારી બજાર હવેથી ભરાશે નહીં. આ સમગ્ર જગ્યાએ બજાર ભરાવાથી ટ્રાફિક પ્રશ્ન ઊભો થવા સાથે અકસ્માતનો ભય હોવાથી પાલિકાની દબાણશાખાએ આજે અહીંથી દબાણો દૂર કરવા સાથે માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોત્રી વિસ્તારમાં પાણીની ટાંકીથી તળાવ તરફ જવાના માર્ગે પ્રત્યેક ગુરૂવારી બજાર ભરાય છે. આ બજાર ભરાવવાના કારણે અહીં ટ્રાફિકનો પ્રશ્ન વારંવાર ઉપસ્થિત થતો હતો. અહીંથી પસાર થતા વાહનનાં કારણે અકસ્માતનો ભય રહેતો હતો. જેથી નાગરિકોના હિતના કારણે અહીં બેસતા છુટક લારી ગલ્લા ધારકોને બેસવાની સલાહ આપી હતી. તેમ છતાં તેઓ અહીં પ્રત્યેક ગુરૂવારે બજાર ભરી બેસતા હતા.
આખરે પાલિકાની દબાણ શાખાએ આજે વોર્ડ નં.૧૧ની ટીમ તથા સ્થાનિક પોલીસનો કાફલો સાથે રાખી અહીંના હંગામી દબાણો હટાવ્યા હતા. તેમજ સંખ્યાબંધ લારી ગલ્લા પથારાની સાથે નડતરરૂપ હોય તેવા હોર્ડિંગ્સ પણ કબ્જે લેવામાં આવ્યા હતા.