(એજન્સી) શ્રીનગર, તા. ૨૨
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક ફરીવાર વિવાદોમાં સપડાયા છે. સત્યપાલ મલિકે રવિવારે ઉગ્રવાદીઓને અપીલ કરી હતી કે, તેઓ નિર્દોષની હત્યા કરવાનું બંધ કરે અને તેના સ્થાને એવા લોકોને નિશાન બનાવે જેઓએ વર્ષો સુધી કાશ્મીરની સંપત્તિ લૂંટી છે. સત્યપાલના આ નિવેદનની મુખ્યધારાના નેતાઓએ ભારે ટિકા કરી છે. કારગિલમાં ‘ખી સુલ્તાન ચો સ્પોટ્‌ર્સ સ્ટેડિયમ’માં લદ્દાખ પર્યટન મહોત્સવ ૨૦૦૯ના ઉદ્‌ઘાટન પ્રસંગે રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, ‘જે યુવાઓએ હથિયાર ઉઠાવ્યા છે તેઓ પોતાના લોકોની જ હત્યા કરે છે, તેઓ પીએસઓ(અંગત સુરક્ષા અધિકારીઓ) અને એસપીઓ(વિશેષ પોલીસ અધિકારીઓ)ની હત્યા કરી રહ્યા છે. તેઓ આ લોકોની હત્યા કેમ કરી રહ્યા છે? તેમની હત્યા કરો જેમણે કાશ્મીરની સંપદા લૂંટી છે. શું તમે આમાંથી કોઇને માર્યા છે ?
જોકે, રાજ્યપાલે તરત કહ્યું હતું કે, હથિયાર ઉઠાવવું કોઇ ઉકેલ ના હોઇ શકે અને શ્રીલંકામાં લિટ્ટેનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘ભારત સરકાર ક્યારેય હથિયાર સામે ઘૂંટણ ટેકશે નહીં’. તેમણે આતંકવાદીઓને હિંસાનો માર્ગ નહીં અપનાવવા કહ્યું હતું. તેમણે મુખ્યધારાના નેતાઓ પર પરોક્ષ નિશાન સાધતા કહ્યું હતું કે, આ નેતાઓ દિલ્હીમાં જુદી ભાષા બોલે છે અને કાશ્મીરમા અલગ ભાષાનો ઉપયોગ કરે છે. રાજ્યપાલની આ ટિપ્પણી સામે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તથા નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મલિકે દિલ્હીમાં પોતાની પ્રતિષ્ઠાની તપાસ કરવી જોઇએ. અબ્દુલ્લાહે ટિ્‌વટ કર્યું કે, ‘આ શખ્સ જે જાહેર રીતે એક બંધારણીય પદે બિરાજમાન છે અને તે આતંકવાદીઓને ભ્રષ્ટ મનાતા નેતાઓની હત્યા કરવા માટે કહી રહ્યો છે.’ બાદમાં અબ્દુલ્લાહે કહ્યું કે, ‘આ ટિ્‌વટને હળવાશથી લેજો- આજ પછી જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા કોઇપણ મુખ્યધારાના નેતા અથવા સેવારત/સેવાનિવૃત્ત અમલદારની જો હત્યા થાય તો એવું માનવામાં આવશે કે, આ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના આદેશો પર કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યના કોંગ્રેસ પ્રમુખ જીએ મીરે પુછ્યું હતું કે, ‘શું તેઓ જંગલરાજને પ્રોત્સાહન આપવાના પ્રયાસ કરી રહ્યા છે ? તેમણે કહ્યું કે મલિક જે બંધારણીય પદ પર છે તેમનું આ નિવેદન તેમની પ્રતિષ્ઠા વિરૂદ્ધ છે.

ભ્રષ્ટાચારને લઇને હતાશ છું : સત્યપાલ મલિક

રાજ્યપાલ સત્યપાલ મલિકે પોતાના નિવેદન બાદ ભારે ટિકાઓનો સામનો કરવાનો વારો આવ્યા બાદ જણાવ્યું હતું કે, એક રાજ્યપાલ તરીકે તેમણે આ પ્રકારનું નિવેદન આપવું જોઇતું ન હતું. બીજી તરફ એમ પણ જણાવ્યું કે, ગુસ્સાને કારણે આવું નિવેદન આપ્યું છે. મેં જે કાંઇ પણ કહ્યું તેનું કારણ સતત વધી રહેલા ભ્રષ્ટાચાર માટેના ગુસ્સા અને હતાશા છે. એક રાજ્યપાલ તરીકે મારે આમ કરવું જોઇતું ન હતું. જો હું આ પદ પર ના હોત તો હું બિલકુલ આમ જ બોલ્યો હોત અને કોઇપણ પ્રકારના પરિણામ ભોગવવા તૈયાર હોત.