(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧
રાજયમાં શાંતિ, એકતા અને સદભાવનાને વધુ બળવત્તર બનાવવા રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજય એકતા સમિતિની રચના કરવામાં આવી છે જેને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આવકારી છે પરંતુ આ એકતા સમિતિમાં મુસ્લિમ સમાજના સંસદસભ્ય, ધારાસભ્યો, ધાર્મિક સંસ્થા, એન.જી.ઓ. અને કોમીએકતાના પ્રતિક સમાન ‘ગુજરાત ટુડે’ અખબારનો સમાવેશ ન કરાતા ચિંતા વ્યકત કરી ધારાસભ્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરતા તેમણે યોગ્ય કરવાની ખાતરી આપી છે. ઉપરાંત આવતા સપ્તાહે આ અંગે રાજયપાલ સમક્ષ પણ રજૂઆત કરવા જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી રજૂઆત કરતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે રાજયમાં શાંતિ, એકતા, સદભાવના દ્વારા કોમવાદ, જ્ઞાતિવાદ અને પ્રાદેશિકતાવાદ જેવા વલણોને મૂળમાંથી નાબુદ કરવા ગૃહવિભાગ દ્વારા એકતા સમિતિ બનાવી તે ખૂબ જ જરૂરી અને આવકારદાયક બાબત છે. ગુજરાતમાં શાંતિ, સલામતી અને રાજયની તેમજ દેશની પ્રગતિ દિનપ્રતિદિન વધતી રહે તે માટે અમે સૌ આપની સાથે ખભેખભા મીલાવીને હંમેશની જેમ માનવતા એ જ સાચો ધર્મ છે. સૂત્રને સાકાર કરવા આપની રાહબરી હેઠળ અડીખમ રીતે તૈયાર છીએ. એકતા અને અખંડિતતાના કાર્યમાં વિવિધ સમાજના પ્રતિનિધિઓનો સમાવેશ કરવાથી જ સરકારનો સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સૂત્ર યથાર્થ નીવડી શકશે. એકતા સમિતિમાં જે રીતે રચના કરવામાં આવી છે તે એક ઉત્તમ પ્રયાસ હોવા છતાં ગુજરાતમાં ૬પ લાખની વસ્તી ધરાવતા મુસ્લિમ સમાજના સંસદસભ્ય, ધારાસભ્યો, ધાર્મિક સંસ્થા તેમજ એન.જી.ઓ.ને પણ પ્રતિનિધિત્વ આપવું જરૂરી છે. તેમજ લઘુમતી સમાજના ટ્રસ્ટ દ્વારા ચાલતા એક માત્ર દૈનિક અખબાર ગુજરાત ટુડે કે જે રાજય અને દેશમાં ભાઈચારો, કોમી એકતા જળવાઈ રહે તે માટે સતત કાર્યશીલ છે. આ દૈનિક પત્રને ગુજરાત સરકાર તરફથી ૧૯૯૪-૯પમાં કોમી એકતા એવોર્ડ પ્રાપ્ત થયો છે માટે આ દૈનિક પત્ર એકતા સમિતિમાં પ્રતિનિધિત્વ મેળવવા પ્રબળ હક્કદાર છે તેવી રજૂઆત કરતા મુખ્યમંત્રીને ધારાસભ્યની રજૂઆત શાંતિથી સાંભળી ઘટતું કવરા ખાત્રી આપી હતી.
રાજ્ય સરકારે રચેલી એકતા સમિતિમાં મુસ્લિમ-લઘુમતી સમાજને પણ સ્થાન આપો

Recent Comments