અમદાવાદ,તા.૭
આરટીઈ હેઠળ ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ માટે સરકાર ગમે તેવા કાયદા બનાવે પરંતુ સરકારના જ આશીર્વાદથી ફુલેલા ફાલેલા ખાનગી શાળાના સંચાલકો કોઈને પણ ગાંઠતા નથી. આવો જ એક બનાવ અમદાવાદની આંબાવાડી સ્થિત અમૃત જયોતિ સ્કૂલમાં બનવા પામ્યો છે. આ શાળામાં પ્રવેશ લેવા ગયેલા ગરીબ વાલીઓના ડોકયુમેન્ટ ફેંકી દઈ શાળાના પ્રિન્સિપાલે હડધૂત કરી કાઢી મુકવાની ફરિયાદ બાદ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર પાઠવી રજૂઆત કરી છે. પ્રથમ રાઉન્ડમાં આ વર્ષે રાજ્યમાં ૧૦૧૮૦ સ્કૂલોની રપ ટકા પ્રમાણે ૧,૧૮,૧૧૦ બેઠકો છે. જેમાંથી આજે પ્રથમ પ્રવેશ યાદીમાં રાજ્યના ૯૯૭૪૯ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો છે. અમદાવાદમાંથી ૧૧,૭ર૮ વાલીઓને મેસેજ કરી પ્રવેશ અંગેની જાણ કરવામાં આવી હતી. અમદાવાદમાં ૧૧૭ર૮ બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે. અમદાવાદની ૮૬૮ જેટલી ખાનગી શાળાઓ માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આરટીઈ અંતર્ગત અમૃત જયોતિ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે. તેમના વાલીઓને ગઈકાલે સોમવારે પ્રવેશ બાબતે શાળા દ્વારા એસ.એમ.એસ. મોકલી આજે તા.૭/પ/ર૦૧૯ને મંગળવારે સવારે ૧૦ઃ૦૦ કલાકે વાલીઓને જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ બોલાવ્યા હતા. વાલીઓ જ્યારે ઉત્સાહભેર સ્કૂલમાં ગયા અને જરૂરી ડોક્યુમેન્ટ શાળાના પ્રિન્સિપાલ સમક્ષ રજૂ કરતા ડોક્યુમેન્ટ નીચે ફેંકી દઈ ગરીબ વાલીઓને અપમાનિત કરી હડધૂત કરીને પ્રવેશ નહીં આપવામાં આવે તેવું જણાવી બીજી ગમે તે શાળામાં એડમિશન લઈ લેવા જણાવ્યું હતું. તેમજ વાલીઓને ધમકીભર્યા સ્વરમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે જઈ સામેથી અમારે પ્રવેશ નથી લેવો તેવી અરજી કરવા ધમકાવવામાં આવ્યા છે. અમૃત જયોતિ સ્કૂલ, આંબાવાડી દ્વારા આરટીઈ હેઠળ ફાળવાયેલ વિદ્યાર્થીઓના વાલીઓને ધમકી આપવાની બાબતે ફરિયાદ કરી તાકીદે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાયદાકીય પગલાં લેવા તેમજ ગરીબ વિદ્યાર્થીઓના વાલીઓને ધાકધમકી આપવા તેમજ રાઈટ ટુ એજ્યુકેશનના કાયદાનું ઉલ્લંઘન કરવા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા મારી માંગણી છે. જો અમૃત જયોતિ સ્કૂલના સંચાલકોની ગુનાહિત પ્રવૃતિ સામે પોલીસ ફરિયાદ સહિત કાનૂની પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન કરવાની ચીમકી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા આપવામાં આવી છે. આ વર્ષે બેઠકો વધીને ૧.૧૮ લાખ જેટલી થઈ તેમ છતાં પ્રથમ રાઉન્ડમાં ૧૮૩૬૧ બેઠકો ખાલી રહી છે. જે ૧ ખાલી બેઠકો તાકીદે ભરવા માગણી છે.