(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૧
દેશભરમાં બની રહેલી મોબલિચિંગના બનાવના વિરોધમાં સુરત શહેરમાં નિકળેલ મૌન રેલી દરમિયાન નાનપુરા મક્કાઇપુલ ખાતે પોલીસ અને રેલીમાં જોડાયેલા લોકો વચ્ચે થયેલ ઘર્ષણ બાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ આડેધડ ધરપકડનો તાગ મેળવવા અને ભોગ બનનાર પીડિતોને રૂબરૂ મળવા આજે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સુરત જમીઅતે ઉલમાના બોલાવાથી સુરત આવી લોકોની વાચા સાંભળી આ બાબતે શહેર પોલીસ કમિશનરને મળી રજૂઆત કરતાં જે સફળવીભૂત નિવડી હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. આ અંગે વિશેષમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર મોબ લિંચિંગના બનાવનો બાબતનો વિરોધ કરવા અર્થે શહેરના બડેખાં ચકલા ખ્વાજાદાના રોડથી વર્સેટાઇલ માઇનોરીટી ફોરમના બેનર ઉપર નિકળેલી રેલી નાનપુરા મક્કાઇપુલ ઉપર આવતા જ્યાં પોલીસ અને રેલીમાં જોડાયેલા લોકો વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થયા બાદ પોલીસે ટિયરગેસના સેલ છોડી પરિસ્થિતિ અંકુશમાં લીધી હતી અને બનાવ સ્થળ ઉપરથી રેલીના નેતા અને કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ પોલીસ દ્વારા નાનપુરાના વિસ્તારોમાંથી કેટલાક નિર્દોષ મુસ્લિમોની મોટાપાયે ધરપકડ કરતા સમગ્ર મુસ્લિમ વિસ્તારમાં ભયનો માહોલ ઉત્પન્ન થયો હતો અને સમગ્ર વિસ્તારના મુસ્લિમો હિજરત કરી જતા હોવાથી મુસ્લિમોનો સમગ્ર વિસ્તાર સુમસામ ભાસતો હોવાથી સ્થાનિક મુસ્લિમોની લાગણી અને માંગણીને ધ્યાન લઇ અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સુરત જમીઅત ઉલમાએ હિંદના બોલાવાથી આજરોજ સુરત રામપુરા છડાઓલ ખાતે આવી પોલીસનો ભોગ બનનાર નિર્દોષ લોકોની વ્યથા સાંભળી ધારાસભ્યએ જણાવ્યું હતું કે જે બનાવ બન્યો છે, એ ખુબ જ નિંદનીય છે, બનાવમાં સંડોવાયેલા હોય તેઓને કસુરવારોને ના છોડાય પરંતુ નિર્દોષ મુસ્લિમો ઉપર પોલીસ દ્વારા આડેધડ ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવી રહ્યો છે એ પણખોટુ છે, આના પરથી મુસ્લિમોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ડગમગી જશે એ માટે નિર્દોષ મુસ્લિમોની ધરપકડ ના કરવામાં આવે અને જે લોકોને નિર્દોષ પકડવામાં આવે તે માટે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ આજે સાંજે શહેર પોલીસ કમિશ્નર સતિષ શર્માને રુબરુ મળી રજૂઆત કરી હતી. દરમિયાન શહેર પો.કમિ. સતીષ શર્માએ ધારાસભ્યને સાંભળ્યા બાદ કહ્યું હતું કે, જો ખરેખર નિર્દોષ વ્યક્તિ હશે તેઓને હવે પછી રંજાડવામાં આવશે નહિં સહિતના હકારાત્મક પ્રતિ ઉત્તર આપ્યા હોવાનું ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ જણાવતા વધુમાં જણાવ્યું હતું કે આ કોઇ કોમી બનાવ નથી, પોલીસ અને રેલીમાં જોડાયેલા લોકો વચ્ચે ઘર્ષણ થયેલાનો બનાવ છે. માટે શહેરમાં કોમી એકતાનો માહોલ જળવાયેલો જોઇએ, કોમી માહોલ ઉત્પન્ન ના થાય તે બંને કોમએ અસરપરસ એક બીજાનું ધ્યાન રાખવો જોઇએ, કારણ કે આગામી દિવસોમાં મોહર્રમ અને ગણેશ ઉત્સવ જેવા બે મોટા તહેવારો બંને કોમના આવી રહ્યાં છે. માટે શહેરમાં કોમી એકતાનો માહોલ રહે તેવા કાર્યક્રમ કરવા જોઇએ તેવું હાજર પત્રકારોને જણાવ્યું હતું. રામપુરા છડાઓલ ખાતે પિડીતાઓને સાંભળી પો.કમિ.ને મળવા જવા સહિતના સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય સાથે શહેર જમીઅત ઉલમાના પ્રમુખ અરશદ મીર, એડ. વહાબભાઇ શેખ, આરીફ બાવા (સૈયદ), કામરામ ઉસ્માની, સઇદ જુમ્મા, રૂકનુદ્દીન બાવા, હારૂન સૈયદ જેવા આગેવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિ જોડાયા હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું.