(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૩
ગુજરાત વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગની માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ગુજરાતમાં લઘુમતીઓની ૧૦ ટકાથી વધુ વસ્તી હોવા છતાં તેમના વિકાસ માટે બજેટ પ્રવચનમાં નાણાંમત્રીએ એકપણ શબ્દ ઉચ્ચાર્યો નથી. વર્ષ ર૦૧૯-ર૦માં રાજ્યની ૬પ લાખની લઘુમતી સમાજની વસ્તી માટે માથાદીઠ માસિક માત્ર રૂા.૧૦ અને રોજના માથાદીઠ માત્ર રપ પૈસા ખર્ચવામાં આવશે એ જ બતાવે છે કે, ભાજપ સરકારે લઘુમતીઓના કલ્યાણમાં કોઈ રસ નથી. વાત વિશ્વાસની થાય છે પરંતુ વિશ્વાસ ક્યાંથી પડે ? ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાતના ૬.પ કરોડ પૈકીના વડોદરા શહેરના એક ગુજરાતી યુવાન આરીફ પઠાણે આતંકવાદીઓ સામેના જંગમાં શહાદત વ્હોરી છે. ત્યારે આરીફ પઠાણને અલ્લાહત્આલા જન્નતમાં સ્થાન આપે અને તેના પરિવારજનોને સબ્ર અને સાંત્વના આપે તેવી શ્રદ્ધાંજલિ પાઠવી પોતાના વકતવ્યનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું. લઘુમતીઓના કલ્યાણ માટે અગાઉના વર્ષોમાં પૂરતી જોગવાઈ થતી હતી અને તે પૈકી પૂરેપૂરી રકમ વપરાતી પણ હતી. રાજ્યનું બજેટનું કદ વર્ષોવર્ષ વધતું જાય છે. રાજ્યની વસ્તી પણ ઉત્તરોત્તર વધતી જાય છે. રાજ્યનું બજેટ અને વસ્તીને ધ્યાને લઈ જૈન સમાજનો પણ જ્યારે લઘુમતીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે લઘુમતી સમાજના વિકાસ માટે ઉત્તરોત્તર જોગવાઈ વધવી જોઈએ. પરંતુ તેમ ન થતાં આ જોગવાઈમાં વર્ષોવર્ષ ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ ર૦૧૯-ર૦માં ભાજપ સરકારે લઘુમતી સમાજના વિકાસ માટે રૂા.૬ર.૯૪ કરોડની જોગવાઈ કરી છે જે વર્ષ ર૦૧૮-૧૯માં રૂા.૬૩.૮૩ કરોડની હતી. આમાં રૂા.૧ કરોડનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. ર૦૧૮-૧૯માં જોગવાઈ કરેલ રકમ પૈકી રૂા.૪ કરોડની રકમ ખર્ચી શકાઈ નહોતી. ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૬-૧૭માં સમાજ કલ્યાણ વિભાગમાંથી લઘુમતી સમાજના વિકાસ માટે માત્ર ર.૯૩% રકમ ફાળવી હતી જે ઘટાડીને વર્ષ ર૦૧૯-ર૦માં ર.૩૭% કરી દીધી છે. વર્ષ ર૦૧૮-૧૯માં પછાત વર્ગના કલ્યાણ માટે કુલ જોગવાઈમાંથી પ.૪ર% રકમ લઘુમતી કલ્યાણ માટે ફાળવી હતી તે ઘટાડીને ર૦૧૯-ર૦માં પ.૧ર% કરાઈ છે. લઘુમતી સમાજ માટે કુટિર ઉદ્યોગમાં સ્વરોજગાર અને પરંપરાગત વ્યવસાય માટે ર૦૧૮-૧૯માં રૂા.૧.૭૮ કરોડની જોગવાઈ હતી જે ઘટાડીને ર૦૧૯-ર૦માં રૂા.૧.પ૩ કરોડ એટલે રપ લાખનો ઘટાડો કર્યો છે તે જોતાં રોજગારી ઓછી ઊભી થશે. લઘુમતી આર્થિક વિકાસ નિગમ અને બોર્ડને અપાતી સહાયમાં પણ રૂા.ર લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે.

હજ સમિતિની રચના કરો અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં મુસ્લિમ યાત્રાધામોને સમાવો

ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે વર્ષથી હજ સમિતિની રચના થઈ નથી. જેથી હજયાત્રાએ જતાં યાત્રીઓ અમદાવાદ એરપોર્ટ પર અપૂરતી વ્યવસ્થાના કારણે પરેશાનીઓ ભોગવી રહ્યા છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં મુસ્લિમ સમાજના એકપણ યાત્રાધામનો સમાવેશ થયેલ નથી. જેના કારણે લઘુમતી સમાજને હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા છે. લઘુમતી સમાજના વિકાસ માટે વડાપ્રધાનના ૧પ મુદ્દાના અમલીકરણ સમિતિની બેઠકો મળતી નથી આ બધામાં સૌનો વિશ્વાસ ક્યાંથી સંપાદન થશે ? આથી હજ સમિતિની રચના અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં મુસ્લિમ સમાજના યાત્રાધામોનો સમાવેશ કરવો જોઈએ.

લઘુમતી સમુદાયના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવાની ધારાસભ્યની માંગ

રાજ્યની ભાજપ સરકાર લઘુમતી સમાજનો વિશ્વાસ સંપાદન કરી તેનો વિકાસ કરવા માંગતી જ હોય તો ભાજપ સરકારે રાજ્યના બજેટમાં લઘુમતી સમુદાયના વિકાસ માટે નક્કર રકમની ફાળવણી કરવી જોઈએ. રાજ્યમાં લઘુમતી આયોગની રચના કરી તેને બંધારણીય મજબૂતી આપતું વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવે. રાજ્યના લઘુમતી બહુસંખ્યા ધરાવતા વિસ્તારોમાં ધો.૧ર સુધીની સરકારી શાળાઓ ખોલવામાં આવે. મદ્રેસા શિક્ષણ આપતી સંસ્થાઓ જો જનરલ શિક્ષણ આપવા માંગતી હોય તેવી સંસ્થાઓને ગ્રાન્ટેડ શાળાઓ તરીકે પરવાનગી આપવામાં આવે. માઈનોરિટી ફાઈનાન્સ કોર્પોરેશનને અપાતી ગ્રાન્ટમાં વધારો કરવો જોઈએ. વકફ બોર્ડને કબ્રસ્તાનોની જગ્યા નીમ કરીને સોંપવી જોઈએ અને વકફ બોર્ડની મિલકતોમાં થતાં ભ્રષ્ટાચારને અટકાવી તેનું રક્ષણ કરવું જોઈએ. લઘુમતી સમુદાયના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવાની માગણી પણ શેખે કરી હતી.