ગાંધીનગર, તા.ર૪
રાજ્યની ભાજપ સરકારને લઘુમતીઓના કલ્યાણમાં કોઈ રસ નથી. કેમકે લઘુમતી કલ્યાણ રૂા.ર૬ કરોડ સરકારે ખર્ચ્યા જ નથી. લઘુમતીઓના વિકાસ માટે અંદાજો મોટા અને ખર્ચ ઓછો કરવામાં આવે છે તેવું ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે. વિધાનસભામાં તારાંકિત પ્રશ્નોત્તરીમાં અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો રાજ્યમાં લઘુમતીઓના વિકાસ માટે બજેટમાં રકમની જોગવાઈ અંગેનો પ્રશ્ન હતો. જેના લેખિત જવાબમાં સરકારે કબૂલ્યું છે કે, લઘુમતીઓના કલ્યાાણ માટે અગાઉના વર્ષોમાં પૂરતી જોગવાઈ થતી હતી અને તે પૈકી પૂરેપૂરી રકમ વપરાતી પણ હતી. રાજ્યનું બજેટનું કદ વર્ષોવર્ષ વધતું જાય છે, રાજ્યની વસ્તી પણ ઉત્તરોત્તર વધતી જાય છે. રાજ્યનું બજેટ અને વસ્તીને ધ્યાને લઈ, જૈન સમાજનો પણ જ્યારે લઘુમતીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે લઘુમતી સમાજના વિકાસ માટે ઉત્તરોત્તર જોગવાઈ વધવી જોઈએ, પરંતુ તેમ થતું નથી. વર્તમાન ભાજપ સરકારને લઘુમતીઓના કલ્યાણમાં કોઈ રસ નથી. વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં લઘુમતી કલ્યાણ માટે અંદાજેલ રૂા. ૫૧.૫૭ કરોડ સામે માત્ર રૂા. ૩૭.૪૨ કરોડનો જ ખર્ચ કરાયો એટલે અંદાજે રૂા. ૧૪ કરોડ ઓછા ખર્ચ્યાં, એટલે ૨૮% જેટલી રકમ સરકારે ખર્ચી નહીં. એવી જ રીતે, ૨૦૧૮-૧૯માં લઘુમતી કલ્યાણ માટે અંદાજે રૂા. ૬૪.૬૧ કરોડ સામે માત્ર રૂા. ૫૨.૦૭ કરોડ જ ખર્ચ્યો, એટલ રૂા. ૧૨.૫૦ (૨૦% જેટલી) કરોડની રકમ વણવપરાયેલ રહી. ભાજપ સરકારના રાજમાં લઘુમતીઓના વિકાસ માટે અંદાજો મોટા અને ખર્ચ માત્ર ૭૫% જેટલું જ થાય છે. બજેટમાં ફળવાતી રકમ પૈકી ૨૦%થી ૨૮% રકમ ખર્ચાતી જ નથી. લઘુમતીઓના વિકાસ માટે વર્ષ ૨૦૧૭-૧૮માં માથાદીઠ વાર્ષિક ખર્ચ રૂા. ૬૪ અને ૨૦૧૮-૧૯માં રૂા. ૯૦ જ કરવામાં આવ્યો છે. આમ, લઘુમતીઓના કલ્યાણ માટે ૬૫ લાખની અંદાજીત વસ્તી માટે માથાદીઠ માત્ર ૧૫થી ૨૦ પૈસા જ ખર્ચ કરે છે.