અમદાવાદ,તા.૧૩
આગામી ૧ર ઓગસ્ટના રોજ સંભવત બકરી ઈદનો તહેવાર આવતો હોવાથી ગાય કે ગૌવંશ સિવાયના નિયમોનુસાર કાયદા મુજબ પશુઓની હેરફેર કરનાર વ્યકિત પાસે કાયદાથી નિર્દિષ્ટ થયેલ પરમીટ હોય તો તેઓને કોઈ કનડગત ના થવા પામે તેવો આદેશ ઈ.ચા.અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) દ્વારા કરવામાં આવ્યો હોવાનું ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ વગેરેની રજૂઆતના અનુસંધાનમાં રાજયના પોલીસ મહાનિર્દેશક દ્વારા તા.૨૯-૭-ર૦૧૯ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના અગ્રણીઓએ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાને રૂબરૂ મળી રજૂઆત કરી હતી કે સંભંગવત આગામી ૧ર ઓગસ્ટના રોજ બકરી ઈદનો તહેવાર હોઈ ગાય તથા ગૌવંશ સિવાયના ફકત કાયદા મુજબના નિયમોનુસાર પશુ ખરીદીની રેવન્યુ ધરાવતી રીસીપ્ટ હોય તેવા અને પશુ હેરફેર કરવાની કાયદાથી નિર્દિષ્ટ આરટીઓ પરમીટ ધરાવતા વાહનોમાં ખરીદીના પુરાવા સાથે પરમીટમાં જણાવેલ સંખ્યા જેટલા પશુઓની હેરફેર કરનારની કનડગત ન થવી જોઈએ. જેને લક્ષમાં લઈ રાજયના પોલીસ વડા તરીકે પરિપત્ર બહાર પાડી રાજયના તમામ પોલીસ કમિશનરો, પોલીસ અધિક્ષકો, રેન્જ વડાઓ અને રાજયના પોલીસ સ્ટેશનોને ફેકસ તથા વાયરલેસ મેસેજ દ્વારા જાણ કરવામાં આવે. આ રજૂઆતના અનુસંધાને ઈ.ચા. અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) દ્વારા રાજ્યના તમામ પોલીસ કમિશનરો, તમામ રેન્જ વડાઓ, તમામ પોલીસ અધિક્ષકો અને પશ્ચિમ રેલવે વડોદરા અને પશ્ચિમ રેલવે અમદાવાદને આ પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.