(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧
ઈદે મિલાદનો પર્વ મુસ્લિમો માટે ઈદોની પણ ઈદ ગણાય છે. આ દિવસ પ્યારા આકા હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની વિલાદતનો પવિત્ર દિવસ છે. આથી મુસલમાનો આ દિવસે જાયઝ તરીકાથી ખુશી મનાવે છે અને જુલૂસ કાઢે છે પરંતુ કેટલાક લોકો ઉજવણીના નામે શરીઅત વિરૂદ્ધના કામો કરતા હોવાથી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ ખૂબ જ વ્યથિત થઈ ઈદે મિલાદની ઉજવણી ભવ્યાતિભવ્ય કરવા પરંતુ તેમાં ઉજવણીના નામે ઢોલ, નગારાં, ફટાકડા ફોડવા, ગીત, સંગીત, ડી.જે., મહિલાઓની બેહુરમતી જેવા શરીઅત વિરૂદ્ધના કાર્યો થઈ રહ્યાં છે. તેને બંધ કરવા ઝૂંબેશ શરૂ કરી છે. તાજેતરમાં સુન્ની યુથ વિંગ દ્વારા યોજાયેલી ‘ફિક્રે ઉમ્મત કોન્ફરન્સ’માં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઈદે મિલાદનું જુલૂસ કઈ રીતે કાઢવું તેની વિસ્તૃત છણાવટ કરી હતી. જેને ઉપસ્થિત ઉલમાઓ અને મુસ્લિમ આગેવાનોએ મુક્તકંઠે વખાણી આ ઝૂંબેશ ગુજરાતના ગામે ગામ પહોંચાડવા અપીલ કરી હતી. ધારાસભ્ય શેખ માત્ર વકતવ્ય આપી શાંત બેસી ન રહ્યા પરંતુ આગામી દોઢેક માસમાં આવી રહેલા ઈદે મિલાદના પર્વની ઉજવણી કઈ રીતે ભવ્યાતિભવ્ય બનાવવી પરંતુ તેમાં સાદગી સાથે શરીઅતનું પણ પાલન થાય તે માટે તબલીગે કુરઆનો સુન્નતના વિશ્વવ્યાપી બિનરાજકીય સંગઠન ‘દાવતે ઈસ્લામી’ના અમદાવાદના મિરઝાપુર સ્થિત ‘મરકઝ ફૈઝાને મદીના’ની પણ મુલાકાત લઈ ત્યાંના સંચાલકો સાથે ચર્ચા વિચારણા કરી હતી. ધારાસભ્યની આ લાગણી જોઈ ‘દાવતે ઈસ્લામી’ના સંચાલકોએ ખુશી વ્યક્ત કરી હતી. ‘દાવતે ઈસ્લામી’ના સંચાલકોએ તેમની સંસ્થા ઈદે મિલાદ કઈ રીતે મનાવે છે અને તમામ મુસલમાનોએ પણ કઈ રીતે મનાવવી જોઈએ તે અંગે ‘દાવતે ઈસ્લામી’ના સ્થાપક મૌલાના મુહમ્મદ ઈલ્યાસ અત્તાર કાદરીના પુસ્તકનો ગુજરાતી અનુવાદ ‘સુબ્હે બહારાં’ અર્પણ કર્યો હતો. જેમાં ઈદે મિલાદમાં શું કરવું અને શું ન કરવું તેનું વર્ણન કરેલું છે. જેમાં જણાવાયું છે કે જશ્ને વિલાદતની ખુશીમાં મસ્જિદો, ઘરો, દુકાનો, મોહલ્લાને રોશની અને લીલા ઝંડાઓથી સજાવવા જોઈએ. બારમી રાત્રે ઝીક્રો નઆતના ઈજતેમામાં સામેલ થવું જોઈએ, ઈદે મિલાદના દિવસે બની શકે તો રોઝો રાખવો, મહેફિલે મિલાદનું આયોજન કરવું કે તેમાં ભાગ લેવો, ઈદે મિલાદના જુલૂસમાં બાવુઝુ સામેલ થવું, માથે અમામા બાંધવો, બા જમાઅત નમાઝની પાબંદી કરવી, નઝરોની હિફાઝત કરવી, જુલૂસમાં દેખાડો કે વાહવાહી કરવા નહીં પરંતુ સવાબની નિય્યતથી સામેલ થવું આવી સારી શીખ આપવામાં આવી છે. આ ઉપરાંત જ્યારે મુસલમાનો પોતાના પ્યારા આકા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની વિલાદતની ખુશી મનાવતા હોય ત્યારે રોશની કરવા માટે વીજળીની ચોરીથી ખાસ બચવું જોઈએ, ઉજવણી દરમ્યાન બીમારો, દૂધ પીતા બચ્ચા અને નિંદ્રા માણી રહેલા લોકોને તકલીફ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બુલંદ અવાજથી લાઉડ સ્પીકર ન વગાડવું જોઈએ, સજાવટ કરવામાં કે રોશની કરવામાં કોઈને તકલીફ ન પડે કે અડચણરૂપ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું, જુલૂસમાં સામેલ થતી વખતે ટ્રાફિક વ્યવસ્થા ન બગડે તેનું ધ્યાન રાખવું. આવી અનેક નાની-નાની બાબતોને આવરી લઈ મુસલમાનોએ ઈદે મિલાદની ઉજવણીમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કઈ ખરાબીઓથી બચવું તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આમ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ માત્ર પ્રજાની પ્રાથમિક સમસ્યાના ઉકેલ કે મ્યુનિસિપલ કોર્પોરેશન કે વિધાનસભામાં પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવા પૂરતા સીમિત રહેવાને બદલે મુસલમાનોમાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને ધાર્મિક રીતે કઈ રીતે સુધાર અને બદલાવ આવી શકે તે માટે પણ સતત પ્રયત્નો કરી રહ્યા છે. તે માટે તેઓ જે તે ક્ષેત્રને સંલગ્ન સંસ્થાઓ અને સંગઠનો સાથે ચર્ચા વિચારણા પણ કરી રહ્યા છે. જે તેમની સમાજ પ્રત્યેની હમદર્દીના દર્શન કરાવે છે.