(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર
અમદાવાદના દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ ગતરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની રૂબરૂ મુલાકાત લઈ માનવજીવન માટે ખતરનાક એમ.ડી. ડ્રગ્સથી બરબાદ થઈ રહેલા યુવાધનને બચાવવા માટે કડક હાથે કામ લઈ યુવાનોને નશામુક્તિ કેન્દ્રોમાં દાખલ કરી નશામુક્ત કરાવવા તેમજ ડ્રગ્સ સપ્લાયરો વિરૂદ્ધ કડકમાં કડક હાથે કામ લેવા વિનંતી કરતા મુખ્યમંત્રીએ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ કડક હાથે કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.
ધારાસભ્ય શેખે મુખ્યમંત્રીને વિનંતી કરતાં જણાવ્યું હતું કે, એન.ડી.એસ. વિભાગ પાસે પૂરતો સ્ટાફ ન હોવાથી કોઈ અસરકારક કામગીરી કરી શકતી નથી માટે ક્રાઈમબ્રાન્ચના અધિકારીઓની જવાબદારી નક્કી કરી અલાયદો નાર્કોટિક્સ સેલ બનાવવા રજૂઆત કરી હતી. સરકાર પોતાના ગુપ્તચર વિભાગને આદેશ કરી એકત્રિત ગુપ્ત માહિતી પોલીસ અને એન.ડી.પી.એસ. વિભાગને પુરી પાડી ડ્રગ્સનું વેચાણ કરતાં તત્વોને નેસ્તનાબૂદ કરી પકડાયેલા તત્વો કાનૂની આંટીઘુંટીમાંથી છટકી ન જાય તે માટે ખૂબ જ ઝીણવટભરી કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. ધારાસભ્યએ મુખ્યમંત્રીને ક્રાઈમબ્રાન્ચ દ્વારા એસ.જી. હાઈવે પરથી ૧.પ કરોડથી વધુ કિંમતનો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો પકડી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રજૂઆત કરી હતી કે, યુવાધનને પ્રોક્સી રીતે ખતમ કરવા માટે મુંબઈ-ગોવાથી એજન્ટો એમ.ડી. ડ્રગ્સ સહિતના અન્ય ડ્રગ્સ નિર્ભય રીતે ગુજરાતમાં સપ્લાય કરી રહ્યા છે. આજની યુવા પેઢીમાં નશાનું દૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દારૂ ઉપરાંત અફીણ, ગાંજો, હેરોઈન, કોકેનના રવાડે યુવા પેઢી ચઢી રહી છે. તેમણે રજૂઆત કરતાં વધુમાં જણાવ્યું હતું કે, મેં ધારાસભ્ય તરીકે સને ર૦૧પમાં ગુજરાત હાઈકોર્ટમાં એમડી ડ્રગ્સને એન.ડી.પી.એસ. હેઠળ સમાવવા પીટીશન દાખલ કરીને સરકાર કડક હાથે કામલે તેવી માંગણી કરી હતી. હાઈકોર્ટે પણ આ બાબતને ગંભીર ગણી રાજ્ય સરકાર, ગુજરાતના પોલીસ વડા, ચીફ સેક્રેટરી, એનસીબીના ડાયરેક્ટર સહિત અન્ય પક્ષકારોને ડ્રગ્સ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. ગુજરાત સરકાર પણ એમ.ડી. ડ્રગ્સ અંગે એન.ડી.પી.એસ. હેઠળ કડક કાર્યવાહી કરી સમાજના દુશમનો સામે સખત હાથે કામલે અને કોલેજો તેમજ સમાજમાં જનજાગૃતિ દ્વારા આ દૂષણ સામે લોકજાગૃતિ કેળવવા પ્રચાર અને પ્રસાર કરે તેમજ અજાણે આવા દૂષણના રવાડે ચઢેલા યુવાનોને નશામુક્તિ કેન્દ્રોમાં દાખલ કરી તેમને નશામુક્ત કરાવે તેવી મુખ્યમંત્રી સમક્ષ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે માંગણી કરતાં મુખ્યમંત્રીએ રજૂઆતના અંતે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.