(સંવાદદાતા દ્વાર) અમદાવાદ, તા.૧૬
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન એક તરફ શહેરમાં ડેન્ગ્યુનો રોગચાળો કાબૂમાં હોવાનો અને ડેન્ગ્યુના કેસો ઘટી રહ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. બીજી તરફ મ્યુનિ.ની ઉસ્માનપુરા ખાતે મળેલી ધારાસભ્યો અને સંસદ સભ્યોની સંકલન સમિતિની મીટિંગમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તેમના દરિયાપુર વિધાનસભા વિસ્તારમાં છેલ્લાં બે માસમાં ડેન્ગ્યુના ૧ર૦૦થી વધુ કેસો નોંધાયા છે તો સમગ્ર શહેરની પરિસ્થિતિ કેટલી ગંભીર હશે તે અંગે ચિંતા વ્યક્ત કરી કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી ડોર ટુ ડોર મેડિકલ ચેકિંગ કેમ્પનું આયોજન કરવા માગણી કરી હતી.
મ્યુનિ. કોર્પોરેશનની ઉસ્માનપુરા કચેરી ખાતે આજરોજ ધારાસભ્યો અને સંસદસભ્યોની સંકલન સમિતિની મીટિંગ યોજાઈ હતી જેમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, આજે ડેન્ગ્યુના દર્દીની સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં ૩૦થી ૪૦ હજાર જેટલો ખર્ચ થાય છે. એસવીપી હોસ્પિટલ સહિત મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત અન્ય હોસ્પિટલોમાં ડેન્ગ્યુના દર્દીઓની તમામ સારવાર દવાઓ સહિત નિઃશુલ્ક કરવા માગણી કરી છે. અમદાવાદ શહેરને ડેન્ગ્યુના ભરડામાંથી મુક્ત કરવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે માગણી કરતા જણાવ્યું હતું કે, ફકત દરિયાપુર વિધાનસભામાં છેલ્લાં બે માસથી ૧૨૦૦થી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયેલ છે. આથી સમગ્ર અમદાવાદ શહેરમાં જનજાગૃતિ અભિયાન ચલાવી મચ્છરોનો ફેલાવો થતો અટકાવવા પાવડરનો છંટકાવ તેમજ ફોગીંગ મશીન દ્વારા દવાનો છંટકાવ યુદ્ધના ધોરણે કરવું ખૂબ જ જરૂરી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાનના નામે ફોટાઓ પડાવવાની હોડ જામી છે. ત્યારે અમદાવાદ શહેરમાં સફાઈ કામદારોની મોટાપ્રમાણમાં ઊભી થયેલ ઘટને તાત્કાલિક પૂર્ણ કરવા પણ ધારાસભ્ય શેખે માગણી કરી છે. કચરાના ઢગલાઓ ચાર-ચાર દિવસ સુધી પડ્યા રહેતા સ્વચ્છતાના અભાવે નાગરિકોને પાણી તથા મચ્છરજન્ય રોગનો ભોગ બનવું પડે છે. રોડ રસ્તાઓની સાફ સફાઈ વ્યવસ્થિત રીતે થતી નથી અને ઠેર-ઠેર કચરાના ઢગલાઓ નજરે પડે છે કામદારો પણ પૂરતા પ્રમાણમાં ફરજ પર આવતા નથી. આથી તાકીદે સફાઈ કામદારોની ઘટ પૂર્ણ કરી નિયમિત રોડ રસ્તાઓની સાફ સફાઈ થાય તેવો આપ આદેશ આપો એવી મારી અરજ છે. ફકત દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં ૩૦૦થી વધુ સફાઈ કામદારોની ઘટ છે.
મસ્ટર સ્ટેશન પર એ.ઈ. તેમજ સુપરવાઈઝર અને લેબર રિટાયર થતાં તેમની જગ્યાએ નવી ભરતી નહીં થવાને કારણે પ્રાથમિક સુવિધાના કામો ખોરંભે પડ્યા છે માટે તાત્કાલિક જરૂરિયાત મુજબનું પૂરતું મહેકમપૂરૂં પાડવા મારી માગણી છે.
દરિયાપુર વિધાનસભા વિસ્તારમાં આવેલા
રોડ-રસ્તા રીસરફેસ કરવા ગ્યાસુદ્દીન શેખે રૂપિયા ર કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રૂા.૨ કરોડની ગ્રાન્ટ દરિયાપુર વિધાનસભા વિસ્તારના રોડ રસ્તાઓ રીસરફેસ કરવા ફાળવેલ છે. વરસાદને કારણે રોડ રસ્તાઓની હાલત ખૂબ જ બિસ્માર થઈ ગયેલ છે પરિણામે ખાડા ટેકરાને લીધે લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે. જેથી ફાળવેલ ગ્રાન્ટમાંથી તાત્કાલિક રોડ રસ્તાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમણે માગણી કરી હતી.
Recent Comments