(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૭
રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હાલ બાળકોને ઓરી અને રૂબેલા રસી આપવાની કામગીરી જારી છે. પરંતુ વોટસએપ પર ખોટા મેસેજો ફરતા થયા હોવાથી કેટલાક લોકો ખાસ કરીને મહિલાઓ આ રસી અપાવવાનું ટાળે છે ત્યારે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ખાસ કરીને મુસ્લિમ માતા-પિતાઓને વિનંતી કરી છે કે તેઓ તેમના બાળકોને રોગોથી રક્ષિત કરવા વેકસીન (રસી) અપાવે તે હિતાવહ છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે આ વેકસીનથી બાળકોને અનેક રોગોથી રક્ષણ મળે છે બાળકોના આરોગ્યની જાળવણી માટે આ રસી લેવી હિતાવહ છે. મારા જાણવા મળ્યા મુજબ વોટસએપ પર એવા ખોટા મેસેજ ફરતા થયા છે કે વેકસીન લેવાથી બાળકોમાં નપુંસકતા સહીતની આડ અસરો થાય છે ત્યારે આવા ખોટા મેસેજથી ભરમાઈ જવાની જરૂર નથી. આ વેકસીન તદ્દન સલામત છે તથા યુનિસેફ વગેરે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની મદદથી સરકાર આ કાર્ય કરી રહી છે.
આ અંગે સ્ત્રીરોગ નિષ્ણાત ડો. હિના મોરી જણાવે છે કે રૂબેલા એક પ્રકારનો વાયરસ છે. જે મહિલાની પ્રેગનન્સી પહેલા કે પ્રેગનન્સીના પ્રથમ ત્રણ મહિનામાં ઈન્ફેકશન થાય તો ગર્ભપાત થવાની કે મૃત બાળક જન્મવાની શકયતા રહેલી છે. ૧પ વર્ષથી નાની બાળાઓને આ રસી મુકાવવી જરૂરી છે. આ ઈન્ફેકશનનો એક જ ઉપાય પ્રિવેન્શન એટલે વેકસીન એક માત્ર ઉપાય છે. જો આ ઈન્ફેકશન થાય તો બાળકને ખોડખાંપણવાળું, અંધાપો, મગજનો ઓછો વિકાસ થવો, અમુક પ્રકારના હૃદયરોગ કાનમાં બહેરાશ જેવી સંભાવના રહેલી છે.