(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૩૦
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ હતો. આજરોજ કોંગ્રેસના બે મુસ્લિમ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા તથા પૂર્વ શહેર પ્રમુખ અમદાવાદ કોંગ્રેસ પંકજ શાહે હાર્દિક પટેલની મુલાકાત લઈ તેના આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. આ દરમ્યાન ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે. ખેડૂતોનો મુદ્દો હોય કે સમાજના કોઈપણ પ્રશ્ન હોય તેને અમારૂ સમર્થન છે. આ રાજયમાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે. જયારે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે જે કિલ્લેબંધી કરવામાં આવી છે તે જોતા લાગે છે કે, સરકાર એક એવો માહોલ ઉભો કરી રહી છે કે બીજા કોઈપણ સમાજ આંદોલન ના કરે. સમસ્ત મુસ્લિમ સમાજ હાર્દિકના આંદોલનને સમર્થન આપે છે. ત્રણે નેતાઓએ હાર્દિકના સ્વાસ્થ્ય અંગે ચિંતા પણ વ્યકત કરી હતી.