અમદાવાદ, તા.૧
શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાના ફોર્મમાં માત્ર મુસ્લિમ વિદ્યાર્થીઓનો ડેટા અલગ તારવવાની હાથ ધરાયેલી કાર્યવાહી સામે રાજ્યભરમાં ભારે વિરોધ ઉઠતા લોકોની લાગણીને વાચા આપવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરતા શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, જો લઘુમતી સમાજને અવિશ્વાસ થતો હોય તો આ કોલમ ફોર્મમાંથી રદ કરવાની ખાતરી આપી હતી. આથી ધારાસભ્ય શેખે પણ શિક્ષણમંત્રીની આ બાંહેધરી સામે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાના ફોર્મમાં માત્ર મુસ્લિમ વિદ્યાર્થીઓનો ડેટા અલગ તારવવાની હાથ ધરાઈ રહેલી કાર્યવાહી સામે મુસ્લિમ સમાજ સહિત શિક્ષણ આલમમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મુસ્લિમ છાત્રોને અલગ તારવવાનું કાર્ય બંધારણ વિરૂદ્ધ છે. ઓનલાઈન ફોર્મમાં આધાર નંબર ફરજિયાત માગવા સામે પણ પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે. ગુજરાતમાં લેવાતી બોર્ડની પરીક્ષામાં આ વખતે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓને અલગ ખાસ વિકલ્પ આપવામાં આવ્યો હોવાથી ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓને તેઓ લઘુમતી છે કે કેમ તે પ્રશ્ન પૂછાયો છે. ત્યારબાદ લઘુમતીમાં મુસ્લિમો છો કે અન્ય લઘુમતી તે પણ અલગ દર્શાવાયું છે.લઘુમતીમાં ખ્રિસ્તી, પારસી, જૈન, શીખ વગેરે હોવા છતાં તેઓ માટે કોઈ વિકલ્પ રખાયેલ નથી ફક્ત મુસ્લિમો માટે આ વિકલ્પ દર્શાવાયો છેેેેે. બોર્ડ કે સરકારને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાંથી મુસ્લિમ વિદ્યાર્થીઓના અલગ ડેટા માંગવાનો શું અર્થ ? હાલમાં કયા ધર્મના કેટલા વિદ્યાર્થી પરીક્ષા આપે છે તેવો કોઈ વિકલ્પ કે અન્ય ડેટા ઉપલબ્ધ હોતો નથી અને તે માંગવામાં પણ આવતો નથી. તો હવે માત્ર મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યાનો ડેટા માંગવાનો શો અર્થ ? હાઈકોર્ટમાં પણ મુસ્લિમ છાત્રોને અલગ પાડવાના મુદ્દાને બંધારણ વિરૂદ્ધ ગણાવી દાદ માંગવામાં આવી છે.ધોે.૧૦ અને ૧ર બોડર્ની પરીક્ષા માટે ભરાતા ઓનલાઈન ફોર્મમાં વિદ્યાર્થીઓને ફરજિયાતપણે આધાર નંબર અને લઘુમતી વિકલ્પમાં મુસ્લિમ કે અન્ય કોઈ વિકલ્પ પસંદ કરવા સામે વિરોધ દર્શાવાયો છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને આધાર નંબરની પણ નોંધણી કરવી પડે છે. સરકારનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરૂદ્ધ છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે જાહેર વિતરણ કાર્યક્રમ, એલપીજી અને ઈન્કમટેક્સ રીટર્ન સિવાય આધાર ફરજિયાત નથી તો પછી બોર્ડની પરીક્ષામાં કેમ ફરજિયાત કરવામાં આવ્યું છે ?
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શિક્ષણમંત્રીને રજૂઆત કરતા ચુડાસમાએ રજૂઆતના પ્રત્યુત્તરમાં જણાવેલ કે આ ફોર્મ ર૦૧૩નું છે અને આ ઓપ્શનનો હેતુ મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનો નથી પરંતુ માત્ર જાણકારી અને ડેટા કલેક્શનના હેતુસર છે.