(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૪
બોરસદ તાલુકાનાં નાપા તળપદ ગામે મદ્રસાએ મિફતાહુલ ઈસ્લામ બચ્ચો કા ધરનાં હાફિઝે કુરઆન તલબાઓને હાફિઝની સનદ અર્પણ કરવાનો તેમજ ધો.૧૦ અને ૧૨નાં પરિક્ષાર્થીઓનો શુભેચ્છા સમારોહ તેમજ ગત બોર્ડની પરિક્ષામાં પ્રથમ ત્રણ સ્થાનો પર ઉતિર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો ત્રિવેણી કાર્યક્રમ હજરત મૌલાનાં હનિફ ગુલામ મોંહમદ વસ્તાનવીનાં અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો.
આ પ્રસંગે પ્રારંભમાં તીલાવતે કુરઆનથી કાર્યક્રમનો પ્રારંભ કર્યા બાદ મદ્રસાનાં મેનેજીંગ ટ્રસ્ટી મોલાનાં મોહંમદ સોહેલએ સંસ્થાનો પરિચય આપતા જણાવ્યું હતું કે તેઓનાં દાદા હજરત મૌલાના ઈસ્માઈલ કાઝીએ સમાજમાં દિનનો ફેલાવો કરવા માટે ૧૯૭૩માં આ સંસ્થાનો પાયો નાખ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત અમદાવાદ દરીયાપુરનાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આજે આપણે દિની શિક્ષણની સાથે દુન્યવી શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છીએ,અને સમાજમાં તે પ્રત્યે જાગૃતિ આવી છે,અને જેનાં કારણે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે,જે આવકારદાયક છે,પરંતુ સમાજએ શિક્ષણની સાથે સાથે સમાજમાં પરિવારનાં આધારસ્થંભનાં મૃત્યું બાદ યુવા વયે વિધવા બનનાર માતા પર નાના બાળકોનાં ગુજરાનની જવાબદારી આવી જાય છે,ત્યારે વિધવા તેમજ યતીમ બાળકો કોઈનાં ઓશીયાળા ના બને અને ઈજ્જત અને વકાર સાથે પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે સમાજની વિવિધ સંસ્થાઓ તેમજ આગેવાનોએ યતીમ બાળકોનાં શૈક્ષણિક ખર્ચ તેમજ વિધવાનાં પરિવારનાં નિભાવ માટે યોગ્ય આયોજન ગોઠવવા માટે આગળ આવવાની જરૂરીયાત છે, આપણા સૌની જવાબદારી છે કે આ માટે કોઈ ચોક્કસ આયોજન સાથે વિધવા મહિલાનાં બાળકો પુખ્ત વયનાં થઈ કમાતા થાય ત્યાં સુધીની તેઓની તમામ જવાબદારી સ્વિકારવી જોઈએ,અને તેઓને ઓશીયાળા બની કોઈની પાસે હાથ લંબાવવો પડે નહી તે માટે તેઓએ રાજયભરની સંસ્થાઓ અને આગેવાનોને આગળ આવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે અતિથિવિશેષ પદે ઉપસ્થિત મૌલાના ઈકબાલ અહમદ મદની( ઉસ્તાદે હદીષ દારૂલ ઉલુમ ફલાહે દારૈન-તડકેશ્વર),એ જણાવ્યું હતું કે આજે સમાજમાં આધુનિકતાની દોડમાં દીની શિક્ષણ પ્રત્યે લગાવ ઓછો થતો જાય છે,તેમજ દુન્યવી શિક્ષણ મોંધું થઈ રહ્યું છે,ત્યારે સમાજમાં દીની શિક્ષણની સાથે સાથે દુન્યવી શિક્ષણ આપવાની કપરી કામગીરી બચ્ચોકાં ધર શૈક્ષણિક શંકુલમાં થઈ રહી છે, તેઓએ કહ્યું હતું કે આજે વૈજ્ઞાનિકો અનેક સંશોધનો બાદ જે વાત કહી રહ્યા છે,તે વાત આજથી ૧૪૦૦ વર્ષ પૂર્વે કુરઆનમાં દર્શાવી છે,તેઓએ બોર્ડનાં પરિક્ષાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરવા અનુરોધ કર્યો હતો.
અતિથી વિશેષપદે ઉપસ્થિત મુઆવીને ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરાનાં પ્રમુખ સાદીક એમ પટેલએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે વાલીઓ પોતાનાં સંતાનો પ્રત્યે જાગૃત બને તે આજનાં દૌરમાં જરુરી છે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ડોકટર એન્જીનીયર કે ઉંચી પદવી પ્રાપ્ત કરતા પહેલા આપણે એક સાચા મુસલમાન બનવા પર ભાર મુક્યો હતો,દિની શિક્ષણ થકી જ સંસ્કારો પ્રાપ્ત થાય છે, કેળવણીની સાચી તાલીમ મદ્રસાઓમાં પ્રાપ્ત થાય છે,ત્યારે સંતાનોને દિની તાલીમની સાથે સાથે દુન્યવી શિક્ષણ આપવા પર ભાર મુક્યો હતો.
આ પ્રસંગે મૌૈલાના હનીફ ગુલામ મોંહમદ વસ્તાનવીએ જણાવ્યું હતું કે તમામ બિમારીઓની દવા કુરઆન છે,જો કોઈ પણ વ્યકિત સારી રીતે કુરઆન સમજી લે તો તમામ મુશ્કેલીઓનો હલ તેઓને કુરઆનમાંથી મળી જશે, આ પ્રસંગે ધો.૧૦ અને ૧૨નાં બોર્ડનાં પરિક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ ગત બોર્ડની પરિક્ષામાં પ્રથમ ત્રણ સ્થાને ઉતિર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે સન્માન કરાયું હતું,તેમજ મદ્રેસામાંથી હિફઝએ કુરઆનની પદવી પ્રાપ્ત કરનારા નવ તલબાઓને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે સનદ એનાયત કરવામાં આવી હતી.આ પ્રસંગે મૌલાનાં અઝવદ મુફતી અહમદ બેમાત (મોહતમીમ દારૂલ ઉલુમ કરમાલી),મૌલાનાં અબ્દુલ કૈયુમ (જમીઅતે ઉલેમા અમદાવાદ),મદ્રસાનાં મોહતમીન મૌલાનાં ઈસ્માઈલ કાઝી,જમીઅતે ઉલેમાએ હિંદનાં જનરલ સેક્રેટરી એમ જી ગુજરાતી સહીત મોટી સંખ્યામાં સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.