(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૫
ભારત કે ગુજરાતના મુસલમાનોને રાષ્ટ્રવાદના કે દેશભક્તિના પાઠ શિખવવાની જરૂર નથી. મુસલમાનો આજ દેશના છે, દેશમાં રહેશે અને દેશ માટે જ ફના થશે. આઝાદીની લડાઈમાં પણ સૌથી વધુ કુરબાની મુસલમાનોએ જ આપી છે તેમ છતાં મુસલમાનો પર છાશવારે દેશદ્રોહીના લેબલ લગાડવામાં આવે છે ત્યારે આજરોજ અમદાવાદમાં જમિયત ઉલેમાએ હિન્દ ગુજરાત દ્વારા યોજાયેલા સન્માન સમારંભમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આગામી ર૬મી જાન્યુઆરીએ સમગ્ર ગુજરાતના મુસ્લિમો, ધાર્મિક, સ્વૈચ્છિક, શૈક્ષણિક અને સમાજસેવી સંસ્થાઓ દર વર્ષે કરાતી ઉજવણી કરતાં પણ ભવ્ય અને શાનદાર રીતે કરે તેવી અપીલ કરી છે. જમિયત ઉલમાએ હિન્દ, ગુજરાતના ખાનપુર કાર્યાલય ખાતે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જમિયત ઉલેમાએ હિન્દના જનરલ સેક્રેટરી નિસાર અહમદ અન્સારીએ બન્ને ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાનું ફૂલહાર કરી સન્માન કર્યું હતું ત્યારબાદ તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, હાલ સીએએ/એનઆરસી/એનપીઆર મુદ્દે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા દ્વારા વિધાનસભામાં પોતાનો પક્ષ રજૂ કરી જે પ્રયત્નો કરવામાં આવેલા છે તેના માટે અભિનંદનને પાત્ર છે, તેઓ બન્ને સાચા સમાજસેવી, લાગણીશીલ અને સફળ વ્યક્તિત્વ, માત્ર રાજકારણ જ નહીં પરંતુ સમાજના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હંમેશા તત્પર રહે છે અને શક્ય તેટલો પોતાનો પૂરતો સમય સમાજ માટે ફાળવે છે. એટલે જ માત્ર પોતાના મતવિસ્તારમાં જ નહીં પરંતુ આખા ગુજરાત રાજ્યમાં પોતાનું એક વિશેષ સ્થાન અને માન આ બન્ને મહાનુભાવો ધરાવે છે. લોકો માટે હંમેશા પ્રયત્નશીલ રહેનારા આ જાંબાઝ વ્યક્તિઓને આપણે હંમેશા સાથ આપતા રહીએ અને એમના માટે દુઆ કરીએ કે અલ્લાહ એમને ઉંમરમાં બરકત આપે અને પોતાના દરેક કામમાં સફળ બનાવે તેમજ અલ્લાહ તેમની જાન, માલ અને ઈજ્જતની હિફાઝત કરે. ઈમરાન ખેડાવાલાએ જમિયત ઉલમાએ હિન્દનો આભાર માનતા જણાવ્યું હતું કે, હેં મારા લોહીના અંતિમ બુંદ સુધી તન-મન અને ધમથી સમાજની ઈમાનદારીપૂર્વક સેવા કરીશ અને સમાજના પ્રશ્નોને વિધાનસભામાં પ્રભાવી રીતે રજૂ કરી મુસ્લિમ સમાજની સાથે સમાજના દરેક વર્ગને ન્યાય અપાવવાનો પ્રયાસ કરું છું અને કરતો રહીશ. ગુજરાતના કોઈપણ ખૂણે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી જરૂર હોય ત્યાં ધર્મ જ્ઞાતિના ભેદભાવ વગર ન્યાય અપાવવા રૂબરૂ પહોંચી તેમના સુખ દુઃખમાં સહભાગી થઈ માનવતા એ જ સાચો ધર્મ નિભાવવાનો પ્રયાસ કરું છું. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે, જમિયત ઉલેમાએ હિન્દ હંમેશા સમાજમાં કોમી એકતા અને ભાઈચારાનો માહોલ બની રહે તે માટેના પ્રયાસો કરે છે તે પ્રશંસનીય છે. ગુજરાત વિધાનસભામાં છેલ્લા ૧ર વર્ષથી સમાજની સમસ્યા અને પ્રશ્નોને વાચા આપવાનો ઈમાનદારીપૂર્વક પ્રયાસ કરતો આવ્યો છું અને હુકુલઈબાદ ઈન્સાઅલ્લાહ અંતિમશ્વાસ સુધી જારી રહેશે. ગ્યાસુદ્દીન શેખે સીએએ/એનઆરસી/એનપીઆર બાબતે જણાવ્યું હતું કે, આ પ્રશ્ન હિન્દુ-મુસ્લિમોનો નથી. આ પ્રશ્ન તો ભારતના માનવતાવાદી સર્વ ધર્મ, સમભાવ અને બિનસાંપ્રદાયિક સંવિધાનનો રક્ષણ કરવાનો છે. અમે ગર્વ સાથે કહીએ છીએ કે, દેશના બહુમતી વર્ગના માનવતાવાદી હિન્દુ સમાજના ભાઈઓ આજે ધર્મના આધારે દેશને વિભાજિત કરવા મથતા આરએસએસ અને સરકારના પ્રયાસોનો આંદોલનો દ્વારા રસ્તાઓ પર ઉતરી સરકાર અને પોલીસ દમનનો સામનો કરીને પણ દેશના સર્વ ધર્મ સમભાવ અને બંધારણના રક્ષણ માટે પોતાના જીવના જોખમે લડી રહ્યા છે. ભારતીય સંવિધાન તેમજ ગંગા જમની તહેજીબ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોવાથી આવા કપરા સંજોગોમાં પણ ભારતનો મુસ્લિમ સમાજ હંમેશ ગર્વથી કહે છે કે અમારો ભારતની ધરતી ઉપર જીવવા અને મરવાનો નિર્ણય યોગ્ય અને સાચો છે. દેશની આઝાદીમાં હજારો ઉલમાઓ સહિત અનેક મુસ્લિમોએ શહાદત વહોરીને દેશને આઝાદી અપાવવામાં મહત્ત્વનું પ્રશંસનીય યોગદાન આપેલ છે. મુસ્લિમ સમાજ પાસે પાકિસ્તાન જવાનો વિકલ્પ હોવા છતાં સમાજે સ્વૈચ્છાએ ઝીણાની વિભાજનની રાજનીતિને ઠુકરાવી ભારત દેશમાં જ જીવવા અને મરવાનો ગૌરવપૂર્ણ દૃઢ સંકલ્પ લીધો હતો. ગ્યાસુદ્દીન શેખે આગામી ર૬ જાન્યુઆરીએ સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજ, ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સમાજ સેવી સંસ્થાઓ દ્વારા દર વર્ષે થતી ભવ્ય ઉજવણી કરતાં પણ વધુ શાનદાર રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા આહવાન કર્યું છે. આ કાર્યક્રમમાં જુનેદ શેખ, મુફતી અશજદ, રાજુભાઈ અરબ સહિત જમિયત ઉલમાના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતનો મુસ્લિમ સમાજ આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી દર વર્ષે કરતાંયે શાનદાર રીતે કરે : ગ્યાસુદ્દીન શેખ

Recent Comments