(એજન્સી) વોશિંગ્ટન,તા.રપ
એચ-૧બી વિઝા ધારકોના પતિ-પત્નીની કામ કરવાની પરવાનગી રદ કરતો પ્રસ્તાવ ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરી માટે મોકલતા પહેલાં આંતરિક સુરક્ષા વિભાગ તેમાં અંતિમ સુધારા લાવી રહ્યું છે. ઓબામા દ્વારા નિયમોમાં ર૦૧પમાં કરાયેલ ફેરફાર પહેલા એચ-૪ વિઝા ધારકોને કામ કરવાની પરવાનગી ન હતી. આ સુધારાના અઠવાડિયામાં જ સ્થળાંતરિતો વિરોધી જૂથોએ તેની વિરૂધ્ધ કોર્ટ કેસ દાખલ કર્યો હતો. જે હજુ સુધી ચાલી રહ્યો છે. ટ્રમ્પ સરકારે ર૦૧૭ના અંતમાં આ અંગે સંકેત આપ્યા હતા કે તે ફરી એચ-૪ વિઝા ધારકોના કામ કરવા પર પ્રતિબંધ મુકશે. હવે આ પ્રસ્તાવ તેના અંતિમ ચરણમાં હોવાનું જણાઈ રહ્યું છે. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકી જનતામાં તેમજ ખાસ કરીને એચ-૪ વિઝા ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ તેમના પરિજનો પણ ચિંતામાં મુકાયા છે.