(એજન્સી) તા.૧૭
અમેરિકાની વિઝા ઇસ્યૂ કરતી ટોચની ઓથોરિટી યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) એક નવી નીતિ તૈયાર કરી છે. આ નીતિ હેઠળ હવે તેના અધિકારીઓને રીક્વેસ્ટ ફોર એવિડેન્સ (આરએફઇ) કે નકારવાના ઇરાદાની નોટિસ (નોઇડ) ઇસ્યૂ કર્યા વગર એચ-૧ બી સહિતની વિઝા અરજીને સરળતાથી નકારી શકશે.
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના ઇમિગ્રેશન અધિકારીઓને નવો આદેશ કર્યો છે. હવે ઇમિગ્રેશન અધિકારીઓ એ વિઝા અરજીઓને સીધી જ નકારી શકશે કે જેના માટે જરુરી પ્રાથમિક પુરાવા જમા કરવામાં આવ્યા ન હોય અથવા વિઝા લેવાની યોગ્યતા સાબિત ન કરી શકાઇ હોય. આ આદેશથી અમેરિકામાં એચ-૧વી વિઝા પર રહેતા ભારતીયોને સ્વદેશ પરત જવાની ફરજ પડી શકે છે.
ટ્રમ્પ વહીવટી તંત્રએ કેટલાક સંજોગોમાં વિઝા અરજીઓને સીધી જ ફગાવી દેવાની સત્તા આપી છે. આમ એચ-૧બી વિઝા સહિત તમામ વિઝા અરજદારોને હવે દસ્તાવેજ જમા કરાવવા કે પોતાની યોગ્યતા સાબિત કરવાની બીજી તક મળશે નહીં. જ્યારે અગાઉની પોલિસીમાં વિઝા અરજદારોનું સ્ક્રિનીંગ કરતા અમેરિકન અધિકારીઓને કોઇપણ પ્રકારની ગુંચ પડવા પર રીક્વેસ્ટ ફોર એવિડન્સીઝ ઇસ્યૂ કરવી પડતી હતી પરંતુ હવે તેઓ સીધી જ વિઝા અરજી ફગાવી શકશે. આમ એચ-૧બી વિઝા પર અમેરિકામાં નોકરી કરી રહેલા લોકોની અરજી રદ થઇ જશે તો ત્યાંથી દેશનિકાલ પણ થવું પડશે. યુનાઇટેડ સ્ટેટ્‌સ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ દ્વારા જણાવાયું છે કે પોલિસી બદલવાથી જાલી અરજીઓ પર લગામ મૂકાશે.